- કોરોના વાઇરસના કેસોમાં નોંધાયો વધારો
- જિલ્લાનાં હાટ બજારો બંધ કરાયાં
- કોરોનાની દહેશતનાં પગલે સાપુતારામાં પ્રવાસીઓ આવવાનું ટાળે છે
ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસોમાં ફેલાવો થતાં ડાંગ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા બુધવારે જિલ્લામાં ભરાતા અઠવાડીક હાટ બજારો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો થતાં 20 જેટલાં શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. છેવાડાનાં ડાંગ જિલ્લાને રાત્રી કરફ્યૂ મુક્ત રાખવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસોમાં 22 જેટલા કોરોનાના કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્રની ટીમે સતર્ક બની હતી અને જિલ્લામાં ભરાતા અઠવાડિક હાટબજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ કોરોનાના કેસો વધતા સાપુતારા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરાયું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હાટ બજાર બંધ રાખવાનો આદેશ
બુધવારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ બહાર પાડીને જિલ્લામાં ભરાતા બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે કોરોનાનાં કેસોમાં ઉછાળો આવ્યો હતો. જે બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકલદોકલ કેસો સામે આવતા જાહેર સ્થળોએ ભીડ ભેગી ના થાય તે તરફ તંત્રનું ધ્યાન ગયુ હતુ અને બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે સુબિર તાલુકાનાં સુબિર ગામમાં પણ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સરપંચ દ્વારા એક દિવસનું ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ સાપુતારા ચેકપોસ્ટ પર RT-PCR રિપોર્ટ વગર નો એન્ટ્રી
કોરોનાની દહેશતનાં પગલે સાપુતારા પ્રવાસીઓ વગર ખાલીખમ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે પણ હવે પ્રવાસીઓ આવવાનું ટાળી રહયા છે. બે મહિના અગાઉ ગિરિમથક સાપુતારા ખાતે ધંધો-રોજગારની ગાડી પાટા પર આવી હતી. હાલમાં એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેરની દહેશત વચ્ચે ગિરિમથક સાપુતારા ખાતે પણ એકલ દોકલ પ્રવાસીઓ દેખાઈ રહ્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં એકલ દોકલ પ્રવાસીઓનાં પગલે અહીનાં સમગ્ર સ્થળોની સ્થિતિ લોકડાઉન જેવી પ્રતીત થઈ હતી.