આહવા ખાતે કલેકટર એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. કલેકટર એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કે, તમામ ડિપાર્ટમેન્ટ પ્રજાલક્ષી કામગીરી કરવાનું સુચન કર્યુ હતુ. હાલમાં જ વરસાદ અને વાવાઝોડાથી ખેતીને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી વળતર મળી રહે તે માટે કલેકટર ડામોરે જિલ્લા ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ ડાયરેકટરને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રસ્તા ઉપર નડતર રૂપી ઝાડના નિકાલ માટે વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો હોવા અંગે જણાવ્યું હતું. ડાંગની ઓળખ ઓર્ગેનિક જિલ્લા તરીકે થાય તે માટે ગામના ખેડૂતોને રાસાયણિક ખાતર, દવાનો ખેતીમાં ઉપયોગ ન થાય તે માટે ગ્રામસભા દરમિયાન યોગ્ય પ્રચાર-પ્રસાર પર ભાર મુકવાનું જણાવ્યું હતું. આત્મા પ્રોજેકટ ડાયરેકટર એમ.એમ.પટેલે ડાંગ જિલ્લાની ઓર્ગેનિક ખેતી અંગે જણાવ્યું હતું કે, સેન્દ્રિય ખેતી ધરાવતા ખેડૂતોને વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન પ્રથમ વર્ષનું 1 સર્ટીફિકેટ મળ્યું હતું. ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૪૩૧૨ ખેડૂતોને બીજા વર્ષનું ૨ સર્ટીફિકેટ આપવામાં આવશે.
સંકલન સમિતિની બેઠકમાં એ.જી.ઓડિટ પારા, સરકારી લેણાની વસુલાત, તુમાર, નાગરિક અધિકાર, પેન્શન કેસો, સ્વચ્છતા, ગ્રામસભા, આર.ટી.આઇ, વિકાસશીલ તાલુકા, સી.એમ.ડેશબોર્ડ, સશસ્ત્ર સેના ફાળો, નાની બચત, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠકનું સંચાલન નિવાસી નાયબ કલેકટર ટી.કે.ડામોરે કર્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવા, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, મદદનીશ વન સંરક્ષક ટી.એન.ચૌધરી, પ્રાયોજના વહીવટદાર ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.