ડાંગ:જિલ્લાના શામગહાન સ્થિત સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટીના મેમ્બર દ્વારા લોકડાઉનમાં ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારના ગરીબ અને નિ:સહાય લોકોની મદદ કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે હાલ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે સાથે જ રોજનું કમાઇ ખાનાર લોકોની રોજગારી બંધ થઇ જતા તેઓની સામે રાશનનો પ્રશ્ન ઉદ્દભવ્યો હતો.
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મફતની અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ અલગથી અનાજ કીટો પણ વિતરણ કરવામાં આવી હતી. આ સાથે જ સરકારની સાથે સેવાભાવી સંસ્થાઓ NGO તેમજ સેવાભાવી લોકો ગરીબ લોકોના વહારે આવ્યા હતા.
લોકડાઉનમાં નિ:સહાય બનેલા ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં શામગહાન સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના દરેક તબક્કાઓમાં આ સંસ્થા દ્વારા ગરીબ લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધી 500 થી વધારે અનાજ કીટો ખાસ જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. હાલમાં જ ડાંગના વધઇ તાલુકામાં સમાવિષ્ટ નડગચોંડ અને સુળ્યીબરડાં ગામના લોકોને 67 જેટલી અનાજ કીટો આપવામાં આવી હતી.