- મહિલાઓ બનાવે છે આરોગ્યવર્ધક ઓર્ગેનિક ગ્રીન ટી
- ગ્રામીણ પ્રવાસન તરીકે વિકસિત છે બરડપાણી ગામ
- મહિલાઓ પ્રવાસીઓને વેચે છે ચા
- ગામમાં શરૂ થયેલા લઘુ ઉદ્યોગને કારણે સ્થાનિક મહિલાઓને મળે છે રોજગાર
ડાંગ : જિલ્લો એટલે જ્યાં કુદરતી સૌંદર્ય અને ચારે તરફ હરિયાળી જ હરિયાળી છે. ગિરિમથક સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલું બરડપાણી ગામ હાલ ગ્રામીણ પ્રવાસન તરીકે વિકસિત થઇ રહ્યું છે. ત્યારે આ ગામની મહિલાઓ દ્વારા બનાવાતી ડાંગી ગ્રીન ટી પણ ખૂબ જ પ્રચલિત થઇ રહી છે.
ગ્રીન ટીની બનાવટ
ગામનાં ખેતરમાં ગ્રીન ટીનું વાવેતર કરવામાં આવ્યું છે. મહિલાઓ ખેતરમાં તૈયાર થયેલી ગ્રીન ટીને સુકવી અને પેકિંગ કરી વેચાણ કરે છે. આ વ્યવસાય થકી બરડાપાણી ગામની મહિલાઓ સ્વનિર્ભર બની છે.
લઘુ ઉદ્યોગને કારણે સ્થાનિક કક્ષાએ રોજગારી
ડાંગ જિલ્લો એટલે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર અહીંની ગરીબ આદિવાસી પ્રજા મોટેભાગે પશુપાલન અને ખેતી પર નભે છે. દિવાળી બાદ મોટી સંખ્યામાં ડાંગ જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે બહારગામ સ્થળાંતર કરતા હોય છે. ત્યારે ડાંગના બરડપાણી ગામની મહિલા સ્વનિર્ભર બને તેવા હેતુથી આગાખાન સંસ્થા દ્વારા ગ્રીન ટી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. જે કારણે મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે.
ઘર આંગણે જ ગ્રીન ટીની ખેતી
બરડપાની ગામની મહિલાઓ ઘર આંગણે જ ગ્રીન ટીની ખેતી કરે છે. જે બાદ ગ્રીન ટીને સુકવીને તેનું પીલાણ કર્યા બાદ પેકિંગ કરવામાં આવે છે. આ ગ્રીન ટીવનું વેચાણ ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે કરવામાં આવે છે અને અન્ય મોટા શહેરોમાં પણ વેચાણ અર્થે મોકલવામાં આવે છે. જેમાંથી મળતા નફાને મહિલાઓમાં સરખે હિસ્સે વહેંચવામાં આવે છે.
ઘરકામની સાથે કરે છે ગ્રીન ટીનું ઉત્પાદન
ડાંગી ગ્રીન ટીનું ઉત્પાદન શરૂ કર્યાને 8થી 9 મહિના જેટલો સમય થયો છે. અત્યાર સુધીમાં મહિલાઓને 50થી 60 હજાર રૂપિયા જેટલી આવક મેળવી છે. ગામની મહિલાઓ જૂથ બનાવીને કામ કરે છે. મહિલાઓને રોજગારી મળી જ રહી છે. આ સાથે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ પણ આ કામમાં જોડાઇ છે. કામમાંથી મળેલા પૈસા અભ્યાસમાં વાપરે છે. મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડાંગ જિલ્લાના અંતરિયાળ બરડપાણી ગામની મહિલાઓ છે. આ ગામની મહિલાઓ ઘરકામની સાથે સાથે રોજગારી મેળવીને અનેક મહિલાઓને પ્રેરિત કરી રહી છે.