ડાંગઃ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ભેંસકાતરી મુખ્ય માર્ગથી આસરિયા ફળિયાને જોડતો ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન હસ્તકનો અંદાજીત 3 કિ.મીનો માર્ગ વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ નોકરીયાત અને દૂધ વાહનોનાં અવર જવર માટે ઘણો ઉપયોગી જોવા મળી રહ્યો છે. પરંતુ હાલનાં સમયે આ લોક ઉપયોગી માર્ગ છેલ્લા એક દાયકાથી પણ વધુનાં સમયથી રસ્તો ઉબડ-ખાબડ બની જઇ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઇ જતા દ્રિચક્રી વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહયા છે.
આ રસ્તાને લઇ હાલાકી વેઠતા ભેંસકાતરીનાં જાગૃત નાગરિકોએ આ માર્ગને ડામર સપાટીમાં ફેરવવા માટે ગ્રામસભા અને જિલ્લા પંચાયત વિભાગને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી નવીનીકરણની કામગીરી હાથે ન ધરાતા રોષે ભરાયેલ ગ્રામજનોએ આ માર્ગને જો ટુંક સમયમાં તંત્ર દ્વારા ડામર સપાટીમાં ન ફેરવવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે જઇ આંદોલન કરવાની ચીમકી ઉતારી છે.