ડાંગઃ વિશ્વમાં કેન્શર તેમજ એઇડ્સ જેવા અસાધ્ય રોગો છે. તેવોજ બીજો સિકલસેલ એનિમિયા નામનો અસાધ્ય રોગ છે. આ રોગ મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં વધારે જોવા મળે છે. ડાંગ જિલ્લામાં જ્યાં 98 ટકા લોકોની વસ્તી આદિવાસીઓની હોય ત્યાં આ રોગ વિશેની માહિતી અને જાણકારી આપવી ખુબજ જરૂરી છે.
ડાંગ જિલ્લામાં સિકલસેલ ડિસિસનાં કુલ 461 દર્દીઓ હયાતીમાં છે, જયારે સિકલસેલના વાહક દર્દીઓની સંખ્યા 1560 જેટલી છે. આ દર્દીઓ માટે યોગ્ય સારવાર મળી રહે અને તેઓ જાગૃતબને તે હેતુથી ડાંગ જિલ્લાના દરેક તાલુકાઓમાં સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ વઘઇમાં કેમ્પ યોજાયો હતો, જ્યારે આહવામાં આજે અને સુબિર તાલુકામાં આવતીકાલે સી.એચ.સી.સેન્ટર ખાતે કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં જુદાં જુદાં ગામના સિકલસેલ દર્દીઓએ ભાગ લીધો હતો. તેઓને સિકલસેલ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. નિષ્ણાત ડોકટરો મારફત તેમજ લેબોરેટરી ટેક્નિશિયન અને રેડક્રોશ સોસાયટી મારફત બ્લડ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જે દર્દીઓને તકલીફ હોય તેઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.