- વઘઇ જિલ્લા પંચાયતમાં પાણીની મોટી સમસ્યા
- પ્રજાનું કામ કરનારા ઉમેદવારો મતદારોની પહેલી પસંદ
- વઘઇ જિલ્લા પંચાયત છે વર્ષોથી કોંગ્રેસનો ગઢ
ડાંગ : આગાની સમયમાં ડાંગ જિલ્લા પંચાયત અને વઘઇ તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. વર્ષોથી આ બેઠક પર સ્થાનિક મતદારો સ્થાનિક ઉમેદવારોને સ્થાન આપતાં આવ્યાં છે, ત્યારે અહીંના સ્થાનિક મતદારો પોતાની સમસ્યા અંગે પોતાના મતવ્યો રજૂ કરી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની વઘઇ જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતની કુલ 6 સીટ છે. જ્યારે તાલુકા પંચાયતની કુલ 16 સીટ છે. બહુલક આદિવાસી વસ્તી ધરાવતાં ડાંગ જિલ્લામાં દરેક સીટ આદિવાસી બેઠકો માટે અનામત છે. જેમાં જિલ્લા પંચાયતની એકમાત્ર વઘઇ જિલ્લા પંચાયતમાં પ્રથમવાર અનુસૂચિત જાતિનાં ઉમેદવારને સીટ ફાળવવામાં આવી છે.
વઘઇ જિલ્લા પંચાયતની સીટના મતદારો
ડાંગનાં વઘઇ જિલ્લા પંચાયતમાં 23 ગ્રામ પંચાયતના 96 ગામડા છે. જેમાં વઘઇ જિલ્લા પંચાયતની સીટમાં 14 ગામડાનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વઘઇ તાલુકામાં તમામ બેઠકો આદિવાસી બેઠકો છે, પરંતુ એકમાત્ર જિલ્લા પંચાયતની અનુસૂચિત જાતિ બેઠક વઘઇને આપવામાં આવી છે. અહીં 90 ટકા આદિવાસી મતદારો, 900 મુસ્લિમ મતદારો તેમજ 350 જેટલાં અનુસૂચિત જાતિનાં મતદારો છે.
વઘઇ જિલ્લા પંચાયતના પ્રજાના પ્રશ્નો
વઘઇ જિલ્લા પંચાયતમાં એકમાત્ર વઘઇ જે શહેરી વિસ્તારમાં ગણાય છે, અન્ય તમામ વિસ્તારો ગ્રામ્ય વિસ્તારના છે. સ્થાનિક પ્રજાજનોને માર્ચ મહિના બાદ ઉનાળામાં પાણીની તકલીફો વેઠવી પડે છે. કોલોની અને ગામડાઓમાંમાં રસ્તાનું નિર્માણ જરૂરી છે. તેમજ યુવાનો સારાં સ્વાસ્થ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે સારી શાળા કોલેજની માગ કરી રહ્યાં છે. પ્રજાના પ્રશ્નનું નિરાકરણ થાય તેવા નેતાની માગ વઘઇના યુવાનો કરી રહ્યાં છે.
વઘઇ તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ, સ્થાનિક ઉમેદવારને અગ્રીમતા
ડાંગ જિલ્લાનો વઘઇ તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીં જિલ્લા અને તાલુકામાં સ્થાનિક ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવે છે. વઘઇ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ ભાજપના ટેકાથી કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાઈ જતાં વઘઇ તાલુકા પંચાયત ભાજપ હસ્તક થઈ હતી. વઘઇ જિલ્લા પંચાયતની સીટ પર કોંગ્રેસ દ્વારા જાહેર ઉમેદવારે ફોર્મ ભરવાનાં પહેલાં દિવસે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના મેન્ડેડ પર ફોર્મ ભરતાં જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો હતો. વઘઇનાં મતદારો વર્ષોથી સ્થાનિક નેતાઓને અગ્રીમતા આપતાં આવ્યાં છે. ત્યારે રાતોરાત કોંગ્રેસ છોડીને ભાજપ પક્ષ જોડાયેલા ઉમેદવાર અથવા તો સ્થાનિક કોંગ્રેસનાં ઉમેદવારને લોકો મત આપશે કે કેમ? તે ચૂંટણી પરિમાણો જ બતાવશે.