- ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને આપી અરજી
- કોવિડ હોસ્પિટલમાં CCTV કેમેરા મુકવાની માગ કરી
- દર્દીઓનાં સગાઓ તેમને જોઈ શકે તે માટે કરાઈ માગ
ડાંગ: જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કોરોનાની પ્રથમ લહેરમાં રાજ્યમાં કોરોનામુક્ત રહેલા ડાંગ જિલ્લામાં પણ સમસ્ત રાજ્યની જેમ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ થવા લાગી છે. ડાંગ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવે છે. જ્યારે અન્ય લોકોને હોમ આઇશોલેશન કરવામાં આવે છે.પરંતુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કેવી રીતે થાય છે. તે દર્દીઓના સગાઓને જાણ હોતી નથી. તે માટે કોવિડ હોસ્પિટલમાં CCTV કેમેરા ગોઠવી દર્દીઓની સારવાર સ્વજનો જોઈ શકે તે માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પાર્ટી પ્રમુખ દ્વારા ડાંગ કલેક્ટરને અરજી કરવામાં આવી હતી.
સ્વજનો દર્દીની સારવાર પણ જોઈ શકે તે માટે કરાઈ માગ
હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓને મળવા દેવાની મનાઈ ફરમાવી છે. ફક્ત હોસ્પિટલ સ્ટાફ જ દર્દીઓ સાથે હાજર હોય છે અને સારવાર કરે છે. ડાંગ જિલ્લાનાં લોકોમાં કોરોનાનાં કારણે ભારે ભય ફેલાયેલો છે. તેઓ પોતાના સ્વજનોની દેખરેખ કે સારવાર કેવી રીતે થાય છે? તે જોઈ કે જાણી શકતા નથી.જેના કારણે સરકારી દવાખાનાઓ છોડી ખાનગી દવાખાના તરફ દોડવા લાગ્યા છે.જેને ધ્યાને લઇ ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોવિડ હોસ્પિટલમાં અથવા કોવિડ હોસ્પિટલની બહાર દર્દીનાં સ્વજનો CCTV કેમેરામાં જોઈ શકે તે માટે કેમેરાની વ્યવસ્થા કરવાની માગ કરી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન રિપોર્ટની વ્યવસ્થા ઉભી કરવામાં આવે: કોંગ્રેસ
સ્થાનિક લોકો કોરોનાના ભયના કારણે સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે. જિલ્લાનાં દર્દીઓ સરકારી હોસ્પિટલનાં બદલે ખાનગી હોસ્પિટલમાં જાય છે.ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ તથા સુબિર તાલુકામાં ચાલતી પ્રાઇવેટ હોસ્પિટલો અને પ્રાઇવેટ ક્લિનિકોમાં હાલમાં ઘણા દર્દીઓ તાવ, શરદી તેમજ ખાંસી જેવી બીમારીઓ માટે સારવારમાં જાય છે. આ પ્રાઇવેટ ક્લિનિકો દ્વારા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતો નથી. ત્યારે આ દરેક જગ્યાએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવે અને કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.