- ડાંગ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- ભાજપના ઉમેદવાર વિજય પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ
- પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે
ડાંગ: ગુજરાત વિધાનસભાની ડાંગ બેઠક માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. જેમાં ભાજપે વિજય પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આજે મંગળવારે જિલ્લા સેવાસદન ખાતે પ્રાંત ઑફિસે વિજય પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને પાર્ટી પ્રમુખ બાબુરાવ ચોર્યા ઉપસ્થિત રહ્યા હતા.
કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, રમણલાલ પાટકર, આર.સી. પટેલ, અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના સૌ કાર્યકરોએ વિજય પટેલને જીતાડવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉમદવારી ફોર્મ ભર્યા બાદ વિજય પટેલે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યની સરકારે તેમના ઉપર વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે ત્યારે તેઓ જીત મેળવીને પ્રજા અને પાર્ટીના આગેવાનોના વિશ્વાસ પર ખરા ઉતરવા પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં કુલ 311 ગામડાઓ છે. જેમાં 89405 પુરૂષ મતદારો અને 88749 મહિલા મતદારો છે. ઉપરાંત અન્ય જાતિના 3 મતદારો છે.