ડાંગ: પેટ્રોલ ડીઝલનાના ભાવ વધારા મુદ્દે આજે બુધવારે કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ડાંગ જિલ્લા આમ આદમીના કાર્યકરો દ્વારા પણ ભાવ વધારાના આ વિરોધમાં આહવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ આજે ગાંધી બાગ ખાતે પોસ્ટર લઈ વિરોધ કર્યો હતો. ત્યારે આ વિરોધમાં ડાંગ આમ આદમી પણ જોડાઈ છે.
ડાંગ આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાં વાઇરસની મહામારી ચાલી રહી છે. લોકો આર્થિક મુશ્કેલીઓમાં મૂકાયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. તે ભાવ વધારો પાછો ખેંચવા અને સરકારની જાહેરાત મુજબ વીજ બિલમાં 100 યુનિટની માફીની મોટી જાહેરાત ફક્ત કાગળ ઉપર છે.
હાલ ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ દરેકને વીજળીનું પૂરે પૂરું બિલ ભરી દેવું પડે છે. યુનિટ અંગે સત્તાવાળાઓ તરફથી જવાબ મળે છે કે, આ અંગે પરિપત્ર મળ્યો નથી. વીજળી બિલ સહિત પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તે અંગે આજે ડાંગ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આહવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.