ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં શિક્ષણ કોલોનીમાં રહેતા જીગ્નેશભાઈ શિરીશભાઈ ગાવિત ખેતી અને પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેથી તેના ઘરે ત્રણ ગાયો તથા વાછરડા હતાં. જેમાં આ પશુપાલકે ગતરોજ તેઓની ત્રણ ગાયોને ચરાણનાં હેતુથી જંગલ વિસ્તારમાં મોકલી હતી. જે ત્રણ ગાયોમાંથી સાંજે 2 ગાયો ઘરે પરત આવી હતી.
જ્યારે ત્રણમાંથી એક ગાય પરત ન ફરતા તેઓએ શોધખોળ આરંભી હતી, પરંતુ આ ખોવાઈ ગયેલ ગાય મળી ન હતી. તેવામાં શનિવારે સવારનાં અરસામાં આહવા વિશ્રામ ગૃહની પાછળ એક ગાય કપાયેલ હાલતમાં પડેલી હોવાનો સંદેશો આ પશુપાલકને મળ્યો હતો. અહી ઘટના સ્થળે પશુપાલક દોડી જતા કપાયેલી હાલતમાં પડેલ ગાયનું મોઢુ અને સીંગડા તેની ગાયનાં હોવાની ઓળખ કરી હતી.
સમસુદિન અમીર, જયેશ ચૌધરી અને સંજુ પવારે વિશ્રામગૃહની પાછળ ચોરી કરેલ ગાયનાં પગ બાંધી દઈ નીચે પાડી એક છરો હાથમાં લઈ ગાયનાં ગૌમાસનું વેચાણ કરવા તથા ખાવાનાં હેતુથી ક્રૂરતાપૂર્વક કતલ કરી હત્યાને અંજામ આપ્યો હતો. જેની જાણ આહવા નગરનાં અગ્રણી અને આહવા તાલુકાનાં પ્રમુખ નરેશભાઈ ગવળીને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
અહી ઘટના સ્થળે હાજર સમસુદિન અમીર બેસ તથા જયેશ ચૌધરી કતલ કરતા મળી આવ્યા હતા. જ્યારે ત્રીજો સાગરીત સંજુ પવાર નાસી છૂટ્યો હતો. અહી ઘટના સ્થળે આહવા પોલીસની ટીમ દોડી આવતા તેઓએ બન્ને ઇસમોની પૂછપરછ કરતા તેઓએ ગૌહત્યા કર્યાની કબૂલાત કરી હતી.
આ બનાવ બાબતે આહવા પી.એસ.આઈ.પી.એમ.જુડાલે પશુક્રૂરતા અધિનીયમ હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જેમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજો ફરાર સાગરીત સંજુ પવારની શોધખોળનાં ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.