- સુરક્ષાકર્મીઓને કોવડ વેક્સિનનું રસીકરણ
- આહવા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો ડોઝ અપાયો
- કુલ 100થી સુરક્ષા કર્મીઓ રહ્યા હાજર
ડાંગ: જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન સમાજની સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવનારા પોલીસ કર્મીઓને આહવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન ડોઝ આપવામાં આવ્યો હતો. કોરોના વેક્સિન લેવા માટે કુલ 265 સુરક્ષા કર્મીઓ હાજર રહ્યા હતા. જેમાં અંદાજે 100થી વધારે સુરક્ષાકર્મીઓએ કોરોના વેક્સિન લીધી હતી. તેમજ જિલ્લા પોલીસ વડાએ વેક્સિનની અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.
જનરલ હોસ્પિટલ ખાતે કોવડ વેક્સિનેશન કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં કોરોનાને નાથવા જિલ્લા વહીવટી તંત્ર સાથે આરોગ્ય વિભાગે જે રીતે કામગીરી કરી તે ખુબ જ સરાહનીય છે. જેથી ડાંગ જિલ્લામાં કોરોનાને કાબુમાં કરવામાં મોટી સફળતા મળી હતી. આ અગાઉ કોરોનાકાળ દરમિયાન કોરોનાગ્રસ્ત લોકોને કોરોનાથી બચાવનારા ડૉકટરો તથા આરોગ્ય કર્મીઓને પ્રથમ પ્રાધાન્ય આપીને તેમને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જે બાદ બીજા તબક્કામાં હવે જિલ્લામાં કોરોના કાળ દરમિયાન સમાજની સુરક્ષામાં ખડે પગે ફરજ બજાવનારા પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓને 31 જાન્યુઆરીના રોજ ડાંગ જિલ્લા જનરલ હોસ્પિટલ ખાતે કોવડ વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ.
કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ આયોજીત કરાયો
નોંધનીય છે કે, સુરક્ષાકર્મીઓ માટે ત્રણ દિવસ રસીકરણ કાર્યક્રમ ચાલશે. ઉપરાંત ડાંગ જિલ્લા પોલીસ વડા રવિન્દ્રસિંહ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'લોકડાઉનથી લઈને અત્યાર સુધી કોરોના મહામારીથી લડતા પોલીસ કર્મીઓ, હોમગાર્ડના જવાનો, તેમજ અધિકારીઓના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં લઈને કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જે ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં પોલીસ કર્મીઓ,પોલીસ સીવીલીયન સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી તથા આ ખાતા સાથે સંકળાયેલા તમામ કર્મીઓ, અધિકારીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે'.
265માંથી 100થી વધારે કર્મીઓને વેક્સિનનો ડોઝ અપાયો
ડાંગ જિલ્લા પોલીસ વડા રવિન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'સિવિલ હોસ્પિટલ ખાતે 265 માંથી 100થી વધારે કર્મીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનનો કાર્યક્રમ પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોએ પણ વેક્સિનની આડઅસર સબંધિત અફવાઓથી દૂર રહેવું જોઈએ'. મહત્વનું છે કે, હાલ ડાંગ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નથી.
પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
અરવલ્લી પોલીસ વડાએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં ડાંગ જિલ્લો એવો છે કે જ્યાં હાલમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોધાયો નથી. જેનો શ્રેય જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય કર્મીઓ પોલીસ કર્મીઓને ફાળે જાય છે. વેક્સિનના બીજા તબક્કામાં નાયબ પોલીસ અધિક્ષક પી. જી. પટેલ. પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.