ડાંગ: જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધવા લાગ્યું છે. રવિવારના રોજ વધઇમાં 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. આ 6 પોઝિટિવ વ્યક્તિઓ એક જ પરિવારના સભ્યો છે. તા 22 જુલાઈનાં રોજ આ જ પરિવારના 62 વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા આ પરિવારના રહેણાંક વિસ્તાર વધઇનાં અંબામાતા મંદિર ફળીયા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યો હતો. થોડા દિવસો પહેલા વૃદ્ધામાં કોરોના લક્ષણો જણાતા આહવા કોવિડ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વૃદ્ધાનાં કુટુંબીજનોમાં તાવના લક્ષણો જણાતા તેઓનો કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામા આવ્યા હતા. જે તમામ 6 સભ્યોનો રવિવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ.
સંક્રમિત થયેલા 6 સભ્યોને સારવાર માટે આહવા સિવીલ હોસ્પીટલની કોવિડ કેર સેન્ટરમાં આઇશોલેટ કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં કોરોના વાયરસનાં કુલ કેસ 19 નોંધાયા છે. જેમાંથી 10 કેસ રિકવર થઇ જતા તેઓને રજા અપાઇ છે.જ્યારે હાલની પરિસ્થિતિમાં પહેલાનાં 3 તેમજ આજનાં 6 કેસો મળી કુલ 9 એક્ટીવ કેસને આહવા સિવિલ હોસ્પીટલનાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે.