ડાંગ : ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારા જે પ્રવાસન તરીકે ખુબ જ પ્રખ્યાત છે. સાપુતારા મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલુ હોવાથી અન્ય રાજ્યનાં લોકોની અવરજવર અહીં થતી હોય છે, ત્યારે હાલમાં કોરોના વાઇરસનાં ભયના પગલે સાપુતારામાં આવેલા તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને જાહેરસ્થળોને બંધ રાખવામાં આવ્યા છે. ગત રોજ જનતા કરફ્યૂ હોવાના કારણે પ્રવાસીઓથી ધમધમતું સાપુતારા સૂમસામ જોવા મળ્યું હતું. જ્યારે સ્વૈચ્છિક રીતના છેલ્લા 2 દિવસથી જ સાપુતારામાં આવેલી ખાણીપીણીની નાની દુકાનો બંધ જોવા મળી હતી.
હાલ કોરોના વાઇરસનો ફેલાવો વધી જવાના કારણે સાપુતારાની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટને બંધ કરી દેવામાં આવ્યાં છે. આ બાબતે સાપુતારા હોટેલ એસોસિયેશન સેક્રેટરી તુકારામભાઈ કરીડીલેએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ, કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે તમામ હોટેલ બંધ કરવામાં આવી છે. અહીં અન્ય રાજયમાંથી લોકો આવતાં હોય કોરોના વાઇરસ ફેલાવાનો ભય હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કલેકટરના આદેશ મુજબ જો ભવિષ્યમાં કદાચ કોરોના વાઇરસ ધરાવનાર વ્યક્તિઓની સંખ્યા વધે તો તે દર્દીઓ માટે સાપુતારાની હોટેલના રૂમો ફાળવશે.
ડાંગ જિલ્લામાં કલેકટરના આદેશ મુજબ 20 તારીખે કલમ 144 લાગુ કરવામાં આવી છે, ત્યારે જિલ્લાના મુખ્ય મથક આહવામાં ખાણીપીણીની હોટેલ, દુકાનદારોની લારીઓ ચાલુ રહેતાં પોલીસ તંત્રએ કડક પગલાં લઈ તમામ દુકાનો બંધ કરી હતી. ફક્ત શાકભાજી અને કરીયાણાનાની દુકાનો ચાલુ રાખી હતી. વધુ લોકો એકઠા ન થાય અને કલમ 144નું પાલન થાય તે માટે પોલીસ દ્વારા કડક કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું છે.