આહવાઃ ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકામાં ત્રણ નર્સ યુવતીનાં કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા ડાંગ વહીવટી તંત્રએ પોઝિટિવ દર્દીના રહેઠાણની આસપાસનાં તમામ એરીયાને કન્ટેનમેન્ટ અને બફરઝોનમાં આવરી લઇ જાહેરનામું બહાર પાડ્યુ હતું. આ વિસ્તારોમાં લોકોના આવન-જાવન અને આવશ્યક ચીજવસ્તુઓનાં ખરીદ વેચાણ માટે ચોક્કસ સમય નિયત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો જે હવે કોરોનાની ઝપેટમાં આવીને ઓરેન્જ ઝોન તરફ ધકેલાયો છે, ત્યારે આ જિલ્લામાં કોરોના વાઇરસથી સાવચેતીનાં ભાગરૂપે જે વિસ્તાર કે ગામમાંથી કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યાં હતાં. એ વિસ્તારને કન્ટેન્મેન્ટ અને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પોઝિટિવ દર્દીની મૂળ જગ્યાએથી 3 કી.મી ત્રિજ્યામાં આવતા વિસ્તારને કન્ટેન્મેન્ટ જ્યારે 7 કી.મી ત્રિજ્યાનાં વિસ્તારને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
ડાંગ જિલ્લાનાં ત્રણ તાલુકા વધઇ,આહવા અને સુબીરમાં ત્રણ નર્સ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા તેમના રહેઠાણો નજીક ગ્રામ્ય વિસ્તારોને કનેટન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યાં છે. ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લહાનઝાડદર ગામની યુવતી પ્રિતીબેન કુંવરનો જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા તકેદારીનાં ભાગરૂપે વાઇરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રને સુચારૂ માર્ગદર્શન આપી લહાનઝાડદર ગામ સહિત 3 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા સમગ્ર વિસ્તારને કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કર્યો હતો. તેમજ સેનીટાઈઝેશન કામગીરી શરૂ કરી હતી. કુલ 298 ધરોનો સર્વે કરી કુલ-2469 વ્યક્તિઓનું સ્ક્રિનીંગની કામગીરી કરવામાં આવી હતી. લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આવશ્યક ચીજ-વસ્તુઓની માત્ર હોમ ડીલીવરી વ્યવસ્થા ગોઠવી દીધી હતી. વધુમાં સુબીર તાલુકામાં લહાનઝાડદર ગામની 7 કિ.મી.ની ત્રિજ્યામાં શેપુઆંબા, શિવબારા, હનવંતપાડા, કરંજપાડા, ભોંડવિહિર, પીપલદહાડ, જુન્નેર, ચમારપાડા, જોગથવા, ખેરીન્દ્રા અને કિરલી ગામોને બફર ઝોન જાહેર કરાયા હતાં.
ડાંગ જિલ્લાનાં વધઇ તાલુકાનાં ભેંડમાળ ગામે કોરોના વાઇરસનો બીજો પોઝિટિવ રિપોર્ટ નેહા ગાવીત નામની નર્સ યુવતીનો સામે આવતા ભેંડમાળ ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો અને ભેંડમાળ ગામની 7 કિમી.ત્રિજ્યામાં આવતા વાધમાળ,મોટી દાબદર,લહાનદાબદર,આમસરવળણ,નાનાપાડા અને લવાર્યા ગામોને બફરઝોન જાહેર કરાયા હતા, ત્યાર બાદ આહવા તાલુકાનાં આહવા નગર ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમમાં રહેતી પલ્લવી લાખન નામની નર્સ ત્રીજી યુવતીનો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ડાંગ આશ્રમની આસપાસનો 100 મીટર ત્રિજ્યામાં આવતો વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરાયો હતો, જ્યારે આશ્રમથી 400 મીટર ત્રિજ્યામાં આવનાર વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
ડાંગનાં આ ત્રણેય તાલુકાઓનાં કન્ટેનમેન્ટ અને બફરઝોન વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તેમજ લોકોને મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામનાં હદની અંદર માત્ર સવારે 8:00 કલાકથી 11:00 કલાક સુઘી મુક્તિ આપવામાં આવેલ છે. તેમજ સોશિયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવા માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ કન્ટેનમેન્ટ અને બફરઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરેક વ્યક્તિઓનું સર્વે કરવામાં આવેલ છે. જેમાં એક પણ વ્યક્તી પોઝિટિવ કે શંકાસ્પદ દર્દી ન મળતા ડાંગ જિલ્લા માટે રાહતનાં સમાચાર સાંપડી રહ્યાં છે.