- ડાંગ જિલ્લા પંચાયતની 18માંથી 17 બેઠક ભાજપના ફાળે
- આહવા, વઘઇ અને સુબિર તાલુકાની કુલ 48માંથી 42 બેઠક ઉપર ભાજપ
- જિલ્લા અને ત્રણેય તાલુકાઓમાં પ્રમુખ કોણ બનશે તે બાબતે સૌ કોઈની નજર
ડાંગ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસનાં સીધા જંગમાં કૉંગ્રેસ પક્ષનાં સુપડા સાફ થઈ ગયા છે. હાલમાં ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરીણામોમાં ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 17 બેઠકો ઉપર ભાજપનાં ઉમેદવારોએ ભવ્ય જીત સાથે ભગવો ઝંડો લહેરાવ્યો છે.
ડાંગમાં કોંગ્રેસનાં સુપડાં સાફ, ભાજપની ભવ્ય જીત
ત્રણેય તાલુકા પંચાયતમાં વઘઇ તાલુકાની કુલ 16 બેઠકો પૈકી 14 બેઠકો ઉપર તથા આહવા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો ઉપર તેમજ સુબિર તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 14 બેઠકો ઉપર પણ ભાજપનું જ કમળ ખીલ્યું છે. જ્યારે ડાંગ કૉંગ્રેસનાં ફાળે જિલ્લા પંચાયતની 01 બેઠક તથા ત્રણેય તાલુકા પંચાયતમાંથી 07 જેટલી બેઠકો આવતા વિપક્ષમાં પણ બેસવા માટે લાયક રહી નથી.
2015માં યોજાયેલી ચૂંટણીમાં ટાઈની પરિસ્થિતિ સર્જાઈ હતી
ગઈ 2015ની ચૂંટણી તરફ નજર ફેરવીએ તો ડાંગ જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી ભાજપનાં ફાળે 09 તથા કૉંગ્રેસનાં ફાળે 09 જેટલી બેઠકો આવતા ટાઈ સર્જાઈ હતી. જેમાં અગાઉની અઢી વર્ષની ટર્મ માટે ભાજપએ શામ દામ અને દંડની નીતિનો અખત્યાર કરી જિલ્લા પંચાયતનાં શાસનની ધુરા સંભાળી હતી. જ્યારે બાકીની અઢી વર્ષનાં ટર્મ માટે સત્તાની ખુરશી મેળવવા માટે ભાજપનાં ઉમેદવાર બીબીબેન રમેશભાઈ ચૌધરીએ ભાજપ સાથે બગાવતમાં ઉતરી કૉંગ્રેસનાં ટેકા સાથે પ્રમુખ પદનો તાજ મેળવ્યો હતો. છેલ્લી જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ ભાજપ અને કૉંગ્રેસે આવ ભાઈ આપણે બે સરખાની નીતિથી અપનાવી હતી.
આ પણ વાંચો: ડાંગમાં કોંગ્રેસને ફટકો, 153 કોંગ્રેસી કાર્યકર્તા ભાજપના રંગમાં રંગાયા
ગઈ તાલુકાઓની ચૂંટણીઓમાં પણ ભાજપ પક્ષ સત્તામાં
જ્યારે ત્રણેય તાલુકા પંચાયતમાં આહવા તાલુકા પંચાયત ઉપર પાંચ વર્ષની ટર્મ માટે નિર્વિદન ભાજપે શાસન સંભાળ્યું હતું. જ્યારે વઘઇ તાલુકા પંચાયતમાં સાડા ત્રણ વર્ષ માટે કૉંગ્રેસે તો દોઢ વર્ષ માટે ભાજપે શાસન સંભાળ્યું હતું. જેમાં સુબિર તાલુકા પંચાયતમાં પણ અઢી વર્ષ માટે ભાજપે, જ્યારે બાકીની અઢી વર્ષ માટે ભાજપનાં જ ઉમેદવારોએ છેડો ફાડી કૉંગ્રેસનાં ટેકા સાથે શાસનની ધુરા સંભાળી હતી. હાલમાં 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી સાથે જિલ્લા અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો છે.
પદોનાં તાજનો કળશ કોના પર ઢોળશે, ડાંગવાસીઓની મીટ
હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસને રામ-રામ કરી જિલ્લા પંચાયતમાં ભાજપનાં મેન્ડેડ ઉપરથી કોંગ્રેસનાં સભ્યો જંગી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યાં છે. ડાંગમાં કદાવર નેતાઓની છાપ ધરાવનાર મંગળ ગાવીત, ચદર ગાવીત, હરીશભાઈ બચ્છાવ, ભરતભાઈ ભોયે, નિલેશભાઈ બાગુલ, લાલભાઈ ગાવીત પણ જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ભાજપનાં મેન્ડેટ ઉપર વિજેતા થયા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો બાદ હાલમાં ભાજપની હાઈકમાન્ડ જિલ્લા અને ત્રણેય તાલુકા પંચાયતમાં ક્યા-કયા કદાવર નેતાઓનાં શિરમોર ઉપર પ્રમુખ, ઉપપ્રમુખ, બાંધકામ, શિક્ષણ, કારોબારી, સિંચાઈ, ખેતીવાડી, સહીતનાં પદોનાં તાજનો કળશ ઢોળશે તેના ઉપર સૌ કોઈ ડાંગવાસીઓની મીટ મંડાઈ છે.