ડાંગઃ જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયાએ આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અંગે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સાચા અને ખરેખર લાભ આપવા પાત્ર લાભાર્થીઓને શોધી સરકારનો હેતુ સિધ્ધ થાય તે મુજબની કામગીરી કરવાની રહેશે.
ગરીબ કલ્યાણ મેળામાં અપાનાર કીટ્સ અને એસેટ્સની યાદી તૈયાર કરી જરૂરી વેરીફિકેશન બાદ લાભાર્થીઓને કોઇપણ મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવાનું રહેશે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ કે જેમાં તમામ પ્રકારની ગરીબી દૂર કરવી, ભુખમરાની નાબુદી, સારૂ આરોગ્ય, ગુણવત્તાસભર શિક્ષણ, જાતિય સમાનતા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા, ઉર્જા, આર્થિક વૃધ્ધિ, ઉઘોગ, નવતર પ્રયાસ જેવા વિવિધ 17 જેટલા ધ્યેયો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. સબંધિત અધિકારીશ્રીઓએ તેમની શ્રેષ્ઠ કામગીરી કરી ધ્યેય હાંસલ કરવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું.
વધુમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય યોજના,તળાવ,જળાશયો,હયાત ચેકડેમો રીપેર કરવા,નદીના અવરોધો દુર કરવા તેમજ સ્વૈચિછક સંસ્થાઓને જનભાગીદારી દ્વારા કામો કરવા શ્રી વઢવાણિયાએ સુચન કર્યું હતું. આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટર ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, ગ્રામ વિકાસ નિયામક ડી.આર.અસારી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા,કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર, નાયબ પોલીસ અધિક્ષક વસાવા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શિવાજી તબિયાર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.