- કોંગી સભ્યો ભાજપમાં જોડાતાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે પ્રવેશોત્સવની ઉજવણી ગણાવી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટું ગાબડું
- જિલ્લા અને તાલુકાના પૂર્વ સદસ્યો ભાજપમાં જોડાયા
ડાંગ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત હજારો કાર્યકરોને પ્રધાન ગણપત વસાવા ભાજપની વિકાસ યાત્રામાં જોડવા સફળ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતનાં ભાજપમાં જોડાયાં બાદ, કોંગ્રેસનાં કદાવર નેતા ચંદર ગાવીત સહિત તમામ દિગજ્જ નેતાઓને પ્રધાન ગણપત વસાવાએ કેસરિયો ખેસ પહેરાવ્યો છે.
200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયાં
વઘઇ, સુબિર તાલુકા બાદ આજે રવિવારે જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષા ગાંગુર્ડે, પૂર્વ આરોગ્ય સમિતિના અધ્યક્ષ ભાગવત દેશમુખ સહિત ગોટયામાળ, બારીપાડા, માલેગાંવ અને ગાઢવી 4 ગ્રામ પંચાયતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટી છોડીને પ્રધાન ગણપત વસાવાના હસ્તે ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાયા હતા.
ડાંગ જિલ્લામાં ભાજપમાં પ્રવેશોત્સવની ઉજવણી : મંગળ ગાવીત
વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની ઐતિહાસિક જીત બાદ મોટું પરિવર્તન આવ્યું છે અને લોકો કોઈ પણ જાતની શરત વગર ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે રવિવારે 200થી વધુ કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં હવે ભાજપ પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, તેમના ભાજપમાં જોડાયા બાદ કોંગી તમામ સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેને લઈ જિલ્લામાં ભાજપ પ્રવેશોત્સવ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના ગઢ ડાંગ જિલ્લામાં હવે કોંગ્રેસના અસ્તિત્વની લડાઈ
કોંગ્રેસનાં ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસની જમીન સરખી રહી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ તમામ કોંગ્રેસનાં આગેવાનો કેસરિયો ધારણ કરી રહ્યા છે અને દરેક તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક પર અત્યાર સુધી હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયાં ચૂક્યા છે. કોંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ તરફી ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેવા તૈયાર નથી, એવી પરિસ્થિતિ ડાંગ કોંગ્રેસની થઈ છે.