- પાણી બચાવવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન
- જિલ્લામાં “કેચ ધી રેન” અંતર્ગત અનોખા કાર્યક્રમ યોજાયા
- જુદી જુદી રીતે લોકોને પ્રેરિત કરાવાના કાર્યક્રમ યોજાયા
ડાંગ: જિલ્લાના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા "રાષ્ટ્રીય જળ મિશન ઝુંબેશ" કાર્યક્રમ અંતર્ગત “કેચ ધી રેન” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ વર્ણવતા નહેરુ યુવા કેન્દ્રના યુવા સંયોજકે જણાવ્યું હતું કે, એનવાયકે યુથ ક્લબના યુવા નેતાઓ અને સ્વયંસેવકો મારફત પ્રજાજનોમાં પાણીના સંરક્ષણની જરૂરિયાત, વરસાદના પાણીનો સંગ્રહ, અને પાણીનો ફરીથી ઉપયોગ કરવાની જાગૃતિ લાવવાનો હતો. આ હેતુ સાથે જળ સંરક્ષણની આવશ્યકતા અને મહત્વ વિશે ગામ સમુદાયોને સમજ આપવી અને મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે, વર્તમાન અને ભાવિ પેઢીની ઉપલબ્ધતા માટેના પાણીના બગાડ રોકવા બાબતે સંવેદના પ્રગટાવવાનો છે.
વધુ વાંચો: સુજલામ-સુફલામ યોજનામાં સહયોગ માટે સરકારે કરી પ્રજાને અપીલ
ગત જાન્યુઆરીથી માર્ચ 2021 સુધીમાં યોજાયા કાર્યક્રમ
આ અભિયાનની શરૂઆત 1લી જાન્યુઆરી 2021ના રોજ ડાંગ જિલ્લા કલેક્ટરે જિલ્લા કક્ષાએથી કરી હતી. જેમાં વિવિધ કાર્યક્રમ જેવા કે પર્યાવરણ નિર્માણ પોસ્ટર, બેનર્સ અને દિવાલ લખાણો કરાયા હતાં. દરમિયાન જળસંચય અંગે જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ વ્યાપક પણે ઉપયોગ થયો હતો. જુદા જુદા ગામોમાં સ્વયંસેવકો દ્વારા જનજાગૃતિ અર્થે નુક્કડ નાટકો પણ રજૂ કરાયા હતા. જળસંચય દ્વારા જળ સંરક્ષણના માપદંડ વિશે નિષ્ણાંતો દ્વારા શૈક્ષણિક અને પ્રેરક પ્રવચનો પણ યોજાયા હતા.