વઘઇ તાલુકા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરેલું હતું. જેમાં વઘઇ તાલુકાના કન્વીનર દ્વારા અંગત રાગ દ્વેષ રાખી સ્થાનિક સંઘના હોદ્દેદારોને દૂર રાખવાની પેરવી કરી અન્ય જિલ્લાના શૈક્ષિક સંઘના હોદ્દેદારોને આમંત્રિત કરી પોતાની મનમાનીથી આયોજન કરેલું હતું. પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વઘઇ દ્વારા શિક્ષકોને અપીલ કરતા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષકોએ સ્વેચ્છાએ ભાગ લીધો નથી જેથી સંપૂર્ણ કાર્યક્રમમાં ફિયાસ્કો જેવું વાતાવરણ બન્યું હતું.
વઘઇ તાલુકા સંઘ ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગનો આ કાર્યક્રમ ફરી યોજવાની માંગ કરી રહ્યા છે. આ કાર્યક્રમ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમ અગાવ ફેરફાર માટે રમત-ગમ્મત અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ એમના દ્વારા પણ કન્વીનરની મનમાનીને સમર્થન આપ્યું હોય એમ લાગી રહ્યું હતું. કારણ કે, કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
આ કાર્યક્રમમાં કન્વીનર વઘઇ તાલુકાના બી.આર.સી કો.ઓ.ની મનમાનીથી કલાકારો વંચિત રહ્યાં હોય એમ લાગે છે. હવે પછી આગામી સમયમાં કોઈ પણ સરકારી કાર્યક્રમમાં આવા વિવાદાસ્પદ અને અંગત અદાવતને મહત્વ આપનાર વ્યક્તિને કન્વીનર ન બનાવે એવું વઘઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું હતું. જ્યારે આ બાબતે શિક્ષક સમાજમાં ચર્ચાએ જોર પકડ્યું છે.