માનનીય વડાપ્રધાન દ્વારા તા. 29મી ઓગસ્ટ 2019ના રોજ દેશ વ્યાપી સ્તરે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમનો શુભારંભ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત એન.એસ.એસ સંલગ્ન શાળાઓમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આહવાનાં ગાંધી બાગ ખાતેથી ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી મણિલાલ ભુસારા, તેમજ સરકારી માધ્યમિક શાળા આહવાના આચાર્ય પ્રજેશ ટંડેલની ઉપસ્થિતિમાં સાઇકલ રેલીને લીલી ઝંડી આપી રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાઇકલ રેલીમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સાથે નહેરુ યુવા કેન્દ્રના સાથીઓ જોડાયા હતાં.
આ અંગે શાળાના આચાર્ય પ્રજેશ ટંડેલે રેલીનો શુંભારભ કરતા જણાવ્યું હતું કે, શાળાના બાળકો આહવાનાં મુખ્ય માર્ગ પર સાઇકલ ચલાવી લોકોને ફિટનેસનો સંદેશો આપશે. તેમજ સાઇકલ ચલાવવાથી ફિટ રહેવાય છે. તે વિશે લોકોને જાગૃત કરશે. આ ફિટ ઇન્ડિયાં અંતર્ગત યોજાયેલી સાઇકલ રેલીમાં સરકારી માધ્યમિક શાળાના 100 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ ફિટનેસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે વિદ્યાર્થીઓએ સ્લોગન અને બેનરો લઇ જાગૃતિ ફેલાવી હતી.