ડાંગઃ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે એક અવાજ એક મોર્ચા સંગઠન દ્રારા જિલ્લા કલેક્ટરને ચિટફંડ અને પોંઝી યોજનાઓમાં થયેલા કૌભાંડ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. વિવિધ કંપનીઓ દ્વારા લોભામણી સ્કીમ આપી ડાંગ જિલ્લાના નાગરિકો પાસે નાણા રોકાણ કરાવ્યાં છે. ત્યારે આ નાણા પરત મળે તેમજ કૌભાંડી કંપનીઓના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આવેદન પત્ર આપતી વખતે ડાંગ જિલ્લા કલેક્ટર સાથે થયેલ મુલાકાતનો હેતુ લોકોને ન્યાય મળી રહે તે માટે એક અવાજ એક મોર્ચા લોક સંગઠનનાં અધ્યક્ષ રોમેલ સુતરીયા હાજર રહ્યા હતા. સાથે સંગઠનના અન્ય આગેવાન તેમજ પિડિત રોકાણકારો હાજર રહ્યા હતા. ચિટફંડ અને પોંઝી કૌભાંડનાં આરોપીઓની સરકારના પાસા સુધારા વિધેયક બિલ 2020 હેઠળ તમામ કૌભાંડી આરોપીઓની ધરપકડ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી.
જ્યારે બીજી તરફ રોમેલ સુતરિયા કલેક્ટરને રોકાણકારોનાં પક્ષમાં રજૂઆત કરવા આવ્યા હોવાની વાત લોકો સુધી પહોંચતા ડાંગ જિલ્લાનાં વિવિધ ગામોથી મોટી સંખ્યામાં પિડિત રોકાણકારો બગીચામાં ભેગા થયા હતા. સમગ્ર લોકોનું માન રાખી કલેક્ટરની મુલાકાત બાદ પાંચ મિનિટનું સંબોધન કર્યું હતું. તો બીજી તરફ ચિટફંડ અને પોંઝી યોજનાઓમાં ફસાયેલા નાગરિકોને ન્યાયની આશા જાગી છે.