સુરત : દેશમાં રાજતંત્ર નથી તેમ છતાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લા ભારતના 640 જિલ્લાઓમાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. 94 ટકા વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે એટલું જ નહીં ડાંગના પાંચ રાજાઓ વંશ પરંપરાગત (Traditional King Dynasty In Dang) રાજાઓમાં ભારત સરકાર (Government of India) દ્વારા સ્થાન પામ્યા છે.
ડાંગ દરબાર મહોત્સવ : રાજા શબ્દ આવતા આજે લોકોને મહેલ રાજશાહી અને ભવ્ય જીવનશૈલી આંખ સામે આવી જતી હોય છે, પરંતુ ડાંગ જિલ્લાના રાજાઓનું જીવન તેનાથી વિપરીત છે. હાલ સામાન્ય લોકોની જેમ તેઓ પણ મોંઘવારી અને અન્ય સમસ્યાઓથી ત્રસ્ત છે. દર ચૂંટણીમાં તેઓ મત પણ આપતા હોય છે, પરંતુ તેમની જૂની માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. રજવાડાઓનું રાજ્યમાં વિલીકરણ થયા બાદ ડાંગને અલગ દરજ્જો મળ્યો છે. વર્ષમાં એક વખત રાજ્યપાલ રૂબરૂ આવીને ડાંગ દરબાર મહોત્સવમાં (Dang Durbar Festival) આ રાજાઓનું સન્માન કરતા હોય છે રાજાઓ બગીમાં બેસીને આ મહોત્સવમાં સામેલ થતા હોય છે, પરંતુ બીજા દિવસે આ રાજાઓ ખેતમાં મજૂરી અને જીપ ચલાવતા નજરે પડે છે.
શું છે ઇતિહાસ : ડાંગના પાંચ ભાગોમાં સ્વતંત્ર રાજાઓનું અસ્તિત્વ હતું. અંગ્રેજોએ પણ આ પાંચે રાજાઓ સાથે કિંમતી વન સંપત્તિ માટે 1942 માં કરાર કર્યા હતા. લાકડા લઈ જવાના બદલામાં 5 રાજાઓનો નાયકો તેમજ ભાઈબંધોને ડાંગ દરબાર યોજીને વાર્ષિક વળતર ચૂકવવાનું શરૂ કર્યું હતું. આજે પણ આ પરંપરા યથાવત છે. ભલે રાજ્ય સરકારના કાગળ પર આ 5 રાજાઓ હોય, પરંતુ આજે પણ તેઓ ખેતી કરીને ગુજરાણ ચલાવી રહ્યા છે.
ખેતમાં કરે છે મજૂરી : સુકર પવાર ભલે સરકારી ચોપડે રાજા હોય, પરંતુ આજે તેઓ પોતાના ખેતરમાં માત્ર ચોમાસા આધારિત જાતે હળ ચલાવી વાવણી કે રોપણીના કામો કરી રહ્યા છે. આખું વર્ષ પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી. સુકર પવારે જણાવ્યું હતું કે, ડાંગ દરબારમાં લોકો સન્માન કરવા આવે છે અને તે લોકો નીકળી જાય ત્યાર પછી અમારી માટે કોઈ ભાવના રાખતા નથી. અમારી કફોડી હાલત હોય છે કોઈ જોવા આવતું પણ નથી. મોંઘવારીથી પરિસ્થિતિ ખરાબ છે અમે મત તો આપીએ છીએ પણ અમારી માંગણી પર કોઈ ધ્યાન આપતું નથી. એ સ્થિતિ આટલી કફોડી છે કે અમે ખેતી માટે સાધનો પણ ખરીદી શકતા નથી. જંગલમાંથી ઇમારતી લાકડા કાપી કરોડો રૂપિયાની આવક મેળવતા હોય છે, પરંતુ અમને નજીવી રકમ ચૂકવી અમારી સાથે અન્યાય થાય છે.
પેન્શન પરિવારના 25 લોકોને આપવું પડે છે : છત્રસિંહ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, "અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ તેઓ અમને માસિક પેન્શન આપે તેવી અમારી માંગણી છે. 7984 રૂપિયા મળે છે જે પરિવાર ના 25 લોકોને વેચવું પડતું હોય છે. એમાં ગુજરાન ચલાવી શકીએ એમ નથી. અમારી માંગણી છે કે 50 થી 60 હજાર રૂપિયા અમને આપવામાં આવે."
ડાંગના રાજાઓની શું સ્થિતી : ડાંગમાં રાજાઓ માત્ર ખેતી જ નથી કરતા, પરંતુ જીપની ડ્રાઇવિંગ કરી પણ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ પાંચે રાજાઓ પૈકી લિંગા સ્ટેટના રાજવી પોતાની જીપમાં યાત્રીઓને લિંગાથી આહવાની સફર કરાવે છે. રાજવી હરું સિંહ પોતાનું ગુજરાન ચલાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી જીપ ચલાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, અમારા પૂર્વજોએ અંગ્રેજો સામે અડીખમ રહી વન સંપત્તિનું જતન કર્યું હતું તે વખતે અંગ્રેજી સરકારે અમુક કિસ્સામાંથી લાકડા કાપી અમને લીઝ પર આપતા હતા. જેનાથી અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું, પરંતુ ભારત સરકાર માત્ર ડાંગ જિલ્લાના 5 રાજવીઓને સાલિયાનું ચૂકવે છે જે અમારી માટે પૂરતું નથી.