ડાંગ: શુક્રવારે ડાંગના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા ગામે વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા નવનિર્મિત બે આંગણવાડી મકાન ICDSને સમર્પિત કરાયા હતા. આ પ્રસંગે ICDS ના પી.ઓ ભાવનાબેને જણાવ્યુ હતુ કે સમગ્ર આંગણવાડીઓમાં ખાનગી કક્ષાની આંગણવાડી જેવી જ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
તેમણે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ આ સુવિધાનો લાભ લઇ પોતાના બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ બનાવે. વર્લ્ડ વિઝન ઇન્ડિયા તરફથી ICDSને સમર્પિત આંગણવાડીમાં નાના બાળકો માટેની તમામ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.આંગણવાડીમાં જરૂરી વસ્તુઓ સાથે બાળકો માટે ગણવેશ અને રમતગમતના સાધનો પણ પુરા પાડ્યા હતા.
આ પ્રસંગે ICDSના પી.ઓ ભાવનાબેન, વઘઇ તાલુકા પ્રમુખ સંકેતભાઇ બંગાળ,ટીડીઓ ભાર્ગવભાઇ મહાલા,ચીચીનાગાંવઠા અને દાબદર ગામના સરપંચ, આંગણવાડી કાર્યકરો તથા વર્લ્ડ વિઝન ઇન્ડિયાનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.