સાબરકાંઠાઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી 3 દિવસ માટે 'સાત પગલા ખેડૂત કલ્યાણ'ના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તથા આત્મનિર્ભર ભારત અંગે ખેડૂતોને મદદરૂપ થવા નવી સહાય યોજના માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સ્વર્ણિમ જયંતી ગુજરાતના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કૃષિ-ખેડૂત સમૃધ્ધ થશે તો જ દેશ-રાજ્યનું અર્થતંત્ર મજબૂત બનશે. જેથી મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે બહુ આયામી યોજનાઓ અમલમાં મુકી છે. જેનો સીધો લાભ આજે ખેડૂતોને મળી રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના પૂર્ણ કરવા, ડેમની ઉંચાઇ વધારવા અને ડેમના દરવાજા મુકવા દિર્ધદ્રષ્ટિ દાખવીને આજે ખેતરે ખેતરે નર્મદાના નીર પંહોચ્યા છે. સુજલામ સુફલામ યોજના નવા બોરીબંધ, ચેકડેમ અને જળ વ્યવસ્થાપનનું ઉત્તમ કામ રાજ્યમાં કર્યુ છે. હવે સમગ્ર દેશમાં આ થિયરી વાપરીને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગે પુરી તાકાતથી લઇ જઇ રહ્યા છે.
જો કે, આ પ્રસંગે આઇ.કે.જાડેજા દ્વારા લાભાર્થીઓને યોજનાકીય સહાયના મંજૂરીપત્રો અપર્ણ કર્યા હતા. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં હિંમતનગર પ્રાંતિજ-તલોદના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.