ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકાઓમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમિત કેસોની સંખ્યામાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા બાદ આહવા તાલુકાના અંતરિયાળ અને સરહદીય વિસ્તારમાં આવેલ હૂંબાપાડા ગામ ખાતે એક 34 વર્ષીય મહિલાનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈ સુરત મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યું હતુ જે પોઝિટિવ આવતા ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી.
આ કોરોના પોઝિટિવ મહિલાને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોવિડ કેર હોસ્પિટલ આહવા ખાતે આઈસોલેટ કરાઈ હતી.ડાંગ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ મહિલા થોડા દિવસ પૂર્વે સુરતથી આવી હતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી બે યુવતીઓના સંપર્કમાં આવી હતી.
હાલમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા હૂંબાપાડા ગામને બફરઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અવર જવર ઉપર પ્રતિબંધ મુક્યો છે.ડાંગમાં હાલનાં તબક્કે વધતા કોરોનાના કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ, અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્ત પણે પાલન કરવાનો વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કર્યો છે.