વાપી: વાપી ટાઉન પોલીસ મથકમાં એક સગીરાનું કોઈ ઈસમ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદને ગંભીર ગણી ટાઉન પોલીસે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જે બાદ સગીરાને ભગાડી જનાર યુવક સાથે નાસિકથી ઝડપી પાડ્યા હતા. પોલીસે સગીરાને હેમખેમ તેના માતાપિતાને પરત સોંપી છે.
"નજીક આવેલ બલીઠા ગામ ખાતે રહેતા એક પરિવારે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે પતિ પત્ની બને કંપનીમાં નોકરી કરે છે. તેમની ચાર દીકરીઓ પૈકીની 15 વર્ષની નાની દીકરીનું કોઈ અપહરણ કરીને લઈ ગયા છે. જે ફરિયાદ બાદ પોલીસે સગીરાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી"-- બી. એન. દવે, DYSP, વાપી
સગીરા માતાપિતાના હવાલે: સગીરાને તેના માતાપિતાના હવાલે કરી છે. ગુમ થયેલ સગીરાને શોધવા પોલીસે મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સ આધારે મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક જેવા રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી. જે બાદ આખરે આ સગીરા અને તેનો અપરણ કરનાર નાસિકમાં હોવાનું જાણવા મળતાં નાસિકથી બંનેની ધરપકડ કરી વાપી લાવ્યા હતા. વાપીમાં સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી તેને માતા-પિતાને પરત સોંપી હતી.
વધુ તપાસ હાથ: આ ઘટનામાં સગીરાને ભગાડી જનાર રોશન સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીના રિમાન્ડ મેળવી સગીરા સાથે તેમણે દુષ્કર્મ કર્યું છે કે કેમ, યુવક સગીરાને ક્યાં ઇરાદે ભગાડી ગતો હતો. તેના સંપર્કમાં કઈ રીતે આવ્યો. આ કોઈ લવ જેહાદનો મામલો છે કે કેમ તે દિશામાં ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.સગીરાને હાલ તેના પરિવાર માતા-પિતાને સોંપી દેવામાં આવી છે.