વાપી : સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી મિલન અને કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 5મી માર્ચ રવિવારે VIA હોલમાં યોજાયેલ આ કવિ સંમેલનમાં આગરા, વારાણસી, ઇન્દોર, દેવાસ, કાનપુર અને મુંબઈથી આવેલા કવિઓએ વર્તમાન જીવન, રાજકારણ અને વિશ્વમાં બનતી કે બનેલી ઘટનાઓ પર તૈયાર કરેલી જોક્સ, કવિતા, ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ : ગુજરાતના વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી મિલન અને કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજના ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરી સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિની રૂપરેખા રજૂ કરી હતી.
કવિતાઓ, ગીતોથી શ્રોતાઓનું મનોરંજન કર્યું : દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા રાષ્ટ્રીય કવિઓએ શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. કવિ સંમેલનમાં શૃંગાર રસ માટે જાણીતા ઉત્તરપ્રેદશની કવિયત્રી ડૉ. રુચિ ચતુર્વેદી, વિરરસ માટે જાણીતા ઉત્તરપ્રદેશના પ્રિયંકા રાય ૐ નંદિની, મધ્યપ્રદેશના અમન અક્ષર, સબરસ માટે જાણીતા મધ્યપ્રદેશના શશીકાંત યાદવ, હાસ્યરસ માટે પ્રખ્યાત હેમંત પાંડે, તેમજ અતિથિ વિશેષ તરીકે મુંબઈના ગીતકાર ચંદન રાયે પોતાના કંઠના જાદુ પાથરી કવિતાઓ, ગીતોથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
હોળીના રંગ કોઈ ભેદભાવ નથી કરતા : આ પ્રસંગે મધ્યપ્રદેશ દેવાસના જાણીતા કવિ શશીકાંત યાદવે જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર સામાજિક સમરસતાનો તહેવાર છે. જે સંસ્થાએ હોળી મિલન અને કવિ સંમેલનનું આયોજન કર્યું છે. તેમાં દરેક સમાજના લોકો આમંત્રિત છે. સંસ્થા પણ સામાજિક સેવા કાર્ય કરી રહી છે. સર્વ સમાજ અમન, દોસ્તી, સમરસતા સાથે હોળીનો તહેવાર મનાવે. રંગ કોઈ ભેદભાવ નથી કરતો તેમ ભેદભાવ વગર દેશને આગળ લઈ જવાનો સંકલ્પ લે તે માટેનો આ કાર્યક્રમ છે.
કાશ્મીર માંગને વાલે આજ આટા માંગ રહે હૈ : શશીકાંત યાદવે પોતાની કવિતાઓ અંગે જણાવ્યું હતું કે, જેમ પત્રકારિતા રાજનીતિક કટાક્ષ વગર નથી થતી તેમ કવિતાઓ પણ રાજનીતિ કટાક્ષ વગર કહેવાતી નથી. રાજનીતિ તેનું મુખ્ય અંગ છે. હાલમાં આંતરરાષ્ટ્રીય મુદ્દો બનેલા પાકિસ્તાન પર તેમણે કવિતારૂપે કટાક્ષ કર્યો હતો કે, જે લોકો કાશ્મીર માંગતા હતા. તે લોકો આજે આટો લોટ માંગે છે. જેના પર તેમણે એક કવિતા લખી છે કે, છોડ કે ગયે થે, દિલ તોડ કે ગયે થે, તું માલિક નહિ વહા સિર્ફ મજદૂર હો, દો-દો બાર કી પિટાઈ ભૂલ ગયે ભાઈ, એટમ કી અક્કડ મેં હુએ મગરૂર હો, ચાઈના-અમેરિકા કી ચાલ મેં ફંસે રહે હો, દોગલે પડોશી બને, ભાઈઓ સે દૂર હો, માંગને સે ના મિલા હૈ, ના મિલેગા કાશ્મીર, દેખો આજ આંટા માંગને કો હો મજબૂર
પડોશીને ભૂખ્યો નહીં સુવા દઈએ : વધુમાં શશીકાંત યાદવે ઉમેર્યું હતું કે, હિન્દુસ્તાન સર્વધર્મ સમભાવમાં માનતો સંસ્કારી દેશ છે. વિશ્વ બંધુની વાત કરીએ છીએ ત્યારે પડોશી ભૂખ્યો હશે. તો તેને ભૂખ્યો નહીં રહેવા દઈએ તેમના હિસ્સાનું જે હશે તે આપીશું. ભૂખ્યો નહીં સુવા દઈએ.
શૃંગાર રસ સાથે વ્રજ કૃષ્ણજીવન પર કવિતાઓ : ઉત્તરપ્રદેશના આગરાથી આવેલ કવિયત્રી ડૉ. રુચિ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સમાજ મનને જોડવાનું કાર્ય કરે છે. તેમ તહેવાર પણ મનને જોડવાનું કાર્ય કરે છે. એવા તહેવારના અવસર પર સમાજે તેઓને આમંત્રિત કર્યા છે તે બદલ તમામને હોળીની શુભકામના પાઠવી હતી. તેમણે આ સંમેલનમાં પ્યારના રંગ વર્ષાવ્યા હતા. હોળીના તહેવારની જેમ કવિતાના અબીલ ગુલાલ લઈને આવ્યા હોવાનું જણાવી પ્યારની, મનોહારની, શૃંગારરસની કવિતાઓ રજૂ કરી હતી. શૃંગાર રસ સાથે વ્રજ અને કૃષ્ણજીવન પર કવિતાઓ રજૂ કરી હતી. જેમાં જેમ હાસ્ય રસ હસાવવા માટે છે. તેમ શૃંગાર રસ મનોભાવને સ્પર્શ કરતો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : Kutch Vrajbhasha Pathshala : કચ્છની વ્રજભાષા પાઠશાળા જેણે આપ્યાં રાજકવિ, ગૌરવપૂર્ણ ઇતિહાસની સફર
જ્ઞાનવાપી-મથુરા અયોધ્યાની લગતી કવિતાઓ : મૂળ ભૂમિહાર સમાજના અને વિરરસ માટે જાણીતા વારાણસીના કવિયત્રી પ્રિયંકા રાય ૐનંદીનીએ કાશી ગુજરાતના સંબંધો પર કાશી મહાદેવની, જ્ઞાનવાપી-મથુરાને લગતી કવિતાઓ રજૂ કરી હતી. વિરરસની કવિતા માટે જાણીતા આ કવિયત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તે ભૂમિહાર સમાજમાંથી જ આવે છે. શાસ્ત્ર અને શસ્ત્ર બંને સારી રીતે જાણે છે અને ક્યારેય તે ઉઠાવવામાં સંકોચ નથી કરતા એટલે કટાક્ષ વગર જ તેમની વાતો રજૂ કરે છે.
આ પણ વાંચો : PM Modi In Parliament: જે દુષ્યંત કુમારના શેરથી પીએમ મોદીએ વિપક્ષને અરીસો બતાવ્યો જાણો કેવા હતા એ કવિ
પેટ પકડીને હસાવ્યા : ઉલ્લેખનીય છે કે, વાપીમાં આયોજિત આ કવિ સંમલેનના ઉદેશ્ય અંગે ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે, તેમનું ટ્રસ્ટ છેલ્લા 6 વર્ષથી વલસાડ જિલ્લામાં તેમજ દાદરા, દમણમાં વિવિધ સામાજિક પ્રવૃતિઓ જેવી કે શિક્ષણક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને સમાજમાં જરૂરિયાતમંદને મદદરૂપ થતું આવ્યું છે. જેમાં દાતાઓ તરફથી વધુને વધુ સામાજિક કલ્યાણના કાર્ય કરી શકાય તે માટે ફંડ એકઠું કરવા આ હોળી મિલન અને કવિ સંમેલનનું આયોજન કરવા આવ્યું છે. જેમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજમાંથી IAS, IPSની સેવા બજાવતા અધિકારીઓ સહિત દરેક સમાજના મળી અંદાજે 1000 જેટલા શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું તમામ રાષ્ટ્રીય કવિઓએ ભરપૂર મનોરંજન કરી પેટ પકડીને હસાવ્યા હતાં.