દમણઃ એક વ્યક્તિ પર અજાણ્યા લોકોએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી નાસી છૂટ્યા બાદ આ યુવાનનું મોત નિપજતા દમણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. લોકડાઉનના સમયમાં જ્યારે 130 કરોડ લોકો ઘરે બેસ્યા છે. ઠેર-ઠેર ધારા 144 અને 188 લાગી ગઈ છે. ગામ અને શહેરો સુમસામ બન્યા છે, તેમ છતાં અપરાધીઓને અપરાધ કરવાનો અવસર મળી રહ્યો છે. દમણમાં આવું જ કંઈક બન્યું છે.
દમણના ભેંસલોરથી ભીમપોર તરફ જતા કોસ્ટલ હાઇવે નજીક આવેલા એક ખેતરમાં અજાણ્યો ઈસમ ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ દમણ પોલીસ વિભાગને થતા પોલીસ કાફલો મેડિકલ કીટ સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઘાયલ વ્યક્તિના માથાના અને શરીરના ભાગે ગંભીર ઘાના નિશાન મળી આવ્યાં હતાં. એટલે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ પદાર્થ મારીને ગંભીર રીતે ઘાયલ કર્યો હોવાનું અનુમાન લગાવી દમણ પોલીસે તેને મરવડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ દમણ પોલીસે મૃતક વ્યક્તિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ સાથે મરનારા વ્યક્તિ કોણ હતો? ક્યાં રહેતો હતો? તેમજ કયા કારણોસર તેને મારવામાં આવ્યો હતો. તે અંગે અલગ-અલગ ટીમ બનાવીને કડક તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દમણની જેમ વાપી GIDCમાં પણ કંપનીના કમ્પાઉન્ડ નજીકથી એક અજાણ્યા ઇસમન મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ભિલાડ વિસ્તારમાંથી પણ એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બતાવે છે કે લોકડાઉનના સમયમાં જયારે 130 કરોડ લોકો ઘરે બેસ્યા છે. ઠેર-ઠેર ધારા 144 અને 188 લાગી ગઈ છે. ગામ અને શહેરો સુમસામ બન્યા છે, છતાં અપરાધીઓને અપરાધ કરવાનો અવસર મળી રહ્યો છે.