- દેશપ્રેમી યુવાન ઉમેશ જાદવની અનોખી પહેલ
- દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મારક બનાવશે
- સ્મારક માટે માટી એકત્ર કરવા દેશમાં 70 હજાર કિમીની યાત્રા કરી
દમણ :- ઉમેશ જાદવ નામનો એક દેશપ્રેમી યુવાન દેશના દરેક રાજ્ય અને સંઘપ્રદેશમાંથી માટી એકત્ર કરી કાશ્મીરમાં યુદ્ધ સ્મારક બનાવશે. આ માટે તે ભારતભ્રમણ કરી રહ્યો છે જે અંતર્ગત તે દમણ પહોંચતા દમણ જિલ્લા ભાજપ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માટી એકત્ર કરવાની નેમ
આ દેશપ્રેમી યુવાન દેશના ખૂણે ખૂણે જઇ શહીદોના પરિવારને મળીને તેમના આંગણાની માટી એકત્ર કરે છે. આ માટે તે 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માટી એકત્ર કરી રહ્યો છે. ઉમેશ જાદવે અત્યાર સુધીમાં 70 હજાર કિમીની યાત્રા પૂર્ણ કરી છે. દમણમાં ઉમેશ જાદવનું દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ અસપી દમણિયા, જયંતિભાઇ, ડિમ્પલભાઇ અને સમીરભાઇ મજદાજીએ સ્વાગત કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉમેશ જાદવે પોતાની આ યાત્રા અંગેના વિચારો રજૂ કર્યા હતાં. જ્યારે અસપી દમણિયાએ તેમની સેવાને બિરદાવી હતી.