વાપીમાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદે જનજીવન ખોરવ્યુ હતું. તો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો. કેટલાક માર્ગો ઉપર વાહનો બંધ પડવાને લઈ ટ્રાફિકજામ સર્જાયો હતો. વાપીથી સેલવાસ,દમણ, વલસાડ અને મુંબઇ તરફના તમામ માર્ગો પર ટ્રાફિક જોવા મળ્યો હતો.
જ્યારે શહેરી વિસ્તારમાં રીક્ષાવાળા અને ખાનગી વાહનો આડેધડ ઉભા રહેતા હોય છે. અન્ય વાહનો પાર્ક કરવાને લઈ માર્ગો ઉપરથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક તરફ માર્ગ પર પડેલા મસમોટા ખાડા પણ મુશ્કેલી સર્જી રહ્યાં છે.વાપીના મોટા ભાગના માર્ગો બેસ્માર બની ગયા છે. જેને લઈ વાહનોની ગતિમર્યાદા ધીમી પડી રહી છે. સર્જાયેલા ટ્રાફિકજામમાં ઈમરજન્સી સેવા આપનારા વાહનો કે ઍમ્બ્યુલન્સને પણ નીકળવામાં ભારે મુશ્કેલી પડે છે.
ટ્રાફિક નિયમન કરનારા ટ્રાફિક પોલીસ ખડેપગે તૈનાત જોવા મળી રહી છે. પરંતુ, ચારેતરફથી અનેક વાહનોની અવરજવર થવાને લઈ વાહનોની કતાર લાગી જાય છે. તો બીજી તરફ ભારે વાહનોની અવરજવર પણ અવિરત ચાલુ હોય વરસાદી મુસીબત બાદ વાપીવાસીઓ માટે ટ્રાફિક સમસ્યા નવી મુસીબત બની છે.