- દમણ ફરવા ગયેલા દંપતી દારૂ સાથે લઇ જતા વાપીમાં ઝડપાયા
- દારૂઅને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
વલસાડઃ સુરતમાં મિહિર ટેકસટાઇલ કંપની ધરાવતું દંપતી સંતાન સાથે દમણ ફરવા આવ્યા બાદ, પરત ફરતા સમયે દારૂ સાથે લઇ જતા વાપીમાં ઝડપાઇ ગયા હતાં. પોલીસે 5600 રૂપિયાનો દારૂ, 16 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન ચેકીંગ
વાપી ટાઉન પોલીસની ટીમ ડાભેલ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન દમણથી આવતી MG હેક્ટર કારને અટકાવી ચકાસણી કરી હતી. અંદરથી 5600 રૂપિયાની દારૂ તથા બિયરની 11 બોટલ મળી આવી હતી. કારચાલકથી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ મિહિર મહેન્દ્રભાઈ કઢીવાલા સુરત શહેરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
જ્યારે તેની બાજુમાં બેસેલી મહિલાની ઓળખ તેની પત્ની તરીકે થઇ હતી. આ દંપતી તેમની 16 વર્ષીય દીકરી અને 6 વર્ષીય પુત્ર સાથે દમણ ફરવા ગયા હતા અને પરત સુરત જતી વખતે દારૂ લઇ જતા પોલીસના હાથે ઝડપાયા હતાં.
પોલીસે કબ્જે કર્યો મુદ્દામાલ
પોલીસે 16 લાખની કાર, 2 મોબાઈલ અને દારૂ મળી કૂલ રૂપિયા 16,15,600નો મુદ્દામાલ કબ્જે કરી પતિ-પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દમણથી સુરત દારૂ લઈ જનારા મિહિર ટેક્સટાઇલ કંપનીનો માલિક હોવાનું અને સુરત ખાતે મિહિર નામથી જ ટેકસટાઇલ ચલાવતા હોવાનું તેના સોશિયલ મીડિયા આઈડી થકી જાણવા મળ્યું હતું.