દમણ: દમણના ડાભેલ વિસ્તારમાં તા. 28મી ઓગસ્ટના રોજ સલવાવના વિનોદ માહ્યાવંશી નામના એક જમીન દલાલની હત્યા થઈ હતી. વિનોદને પગ, છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. હત્યાની ઘટના બાદ દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હુમલો કરનારા લોકોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક જમીન દલાલ સાથે રીક્ષા લઈને આવેલો રાજેન્દ્ર તિવારી જ હત્યાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ નીકળ્યો હતો.
રાજેન્દ્ર તિવારીએ કેટલાક સાથીઓ સાથે મળીને વિનોદની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત રાજેન્દ્ર વિનોદને ડાભેલ લઈને આવ્યો હતો. તેમજ રસ્તામાં પ્લાન મુજબ બાઈક પર આવેલા ચારથી પાંચ ઈસમોએ રાજેન્દ્રને છોડીને માત્ર વિનોદ પર જ ઘાતક હથિયારો વડે હુમલો કરી દેતા વિનોદનું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં પોલીસને રીક્ષા ચાલક રાજેન્દ્ર તિવારી પર શંકા જતા પોલીસે તેની ધરપકડ કરી કડક પૂછપરછ દરમિયાન રાજેન્દ્રએ પોલીસ સમક્ષ ઘટનાની વિગત જણાવી હતી. આ સાથે જ હત્યામાં સાથ આપનાર વાપી નાયકવાડમાં રહેતા વિક્કી દિપક નાયકા નામના સહ આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. જેમાં પોલીસે આરોપી રાજેન્દ્રને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા, મળતી જાણકારી મુજબ જમીનની બબાલમાં આ હત્યા થઇ હતી, જ્યારે વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.