દમણ : પોર્ટુગીઝ શાસકોએ દીવ-દમણ અને ગોવા પર સળંગ 463 થી વધુ વર્ષ સુધી શાસન ચલાવ્યું હતું. પોતાના શાસનકાળ દરમિયાન આ પ્રદેશમાં પોર્ટુગીઝોએ અનેક સ્મારકો બનાવ્યા હતા. 450 વર્ષ બાદ પણ દમણમાં આવા જ સ્મારકો આજે પણ અડીખમ છે. દમણના 63 માં મુક્તિદિન નિમિત્તે ETV BHARAT ના વિશેષ અહેવાલમાં જુઓ આ સ્મારકોની વિશેષતા અને ઈતિહાસ
મોટી દમણ કિલ્લો : પોર્ટુગીઝોએ દમણમાં બનાવેલા સ્મારકોની વિગતો જોઈએ તો, મોટી દમણ કિલ્લાનું બાંધકામ AD 1559 માં શરૂ થયું અને AD 1581 માં સમાપ્ત થયું હતું. તેની દિવાલો 30,000 ચોરસ મીટરનો વિશાળ વિસ્તાર આવરે છે. દમણના આ પ્રખ્યાત કિલ્લાને પ્રવાસીઓનું જ નહીં અહીંના અધિકારીઓ અને રાજકીય આગેવાનોનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. કારણ કે તેની અંદર ઘણી જૂની ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સરકારી કચેરીઓનું ઘર : મોટી દમણ કિલ્લામાં ગવર્નમેન્ટ હાઉસ, કેથેડ્રલ ઓફ બોમ જીસસ, ડોમિનિકન મઠ, દીવાદાંડી અને બોકેજ હાઉસ જેને પોર્ટુગીઝ કવિના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોન્વેન્ટ સ્કૂલ, સરકારી ક્વાર્ટર અને જાહેર આરોગ્ય કેન્દ્ર, જિલ્લા પુસ્તકાલય, ત્રણ બગીચા, જિલ્લા અદાલત, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ, દમણ જેલ વગેરે જેવી ઘણી સરકારી સંસ્થાઓ ઉપરાંત હાલમાં વધુ કેટલીક નવી કચેરી અને સ્મારકોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દમણ નગરપાલિકાનો ઇતિહાસ : દમણ નગરપાલિકાનું બાંધકામ 16 મી સદીમાં થયું હતું. દમણ પર વિજય મેળવનાર પોર્ટુગીઝ નાયક ડી.સી.-દા-બ્રાગાન્ઝાના આદેશથી ઈમારતનું બાંધવામાં આવ્યું હતું, તેને 1581 માં નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઇવોરા મ્યુનિસિપાલિટી હવે પોર્ટુગલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તે એશિયાની સૌથી જૂની મ્યુનિસિપલ કાઉન્સિલ છે. 1961 પહેલા દીવ ટાપુનો મ્યુનિસિપલ વિસ્તાર પણ દમણની મ્યુનિસિપલ કાઉન્સિલના નિયંત્રણ હેઠળ હતો. આજે પણ આ બિલ્ડિંગમાં દમણ નગરપાલિકાની કચેરી કાર્યરત છે.
પોર્ટુગીઝ એન્જિનિયરિંગની શ્રેષ્ઠ કૃતિ : ચર્ચ ઓફ બોમ જીસસ 1559 માં સ્થપાયેલ અને 1603 માં પવિત્ર બોમ જીસસનું કેથેડ્રલ એ પોર્ટુગીઝ એન્જિનિયરિંગ કલાત્મકતાની શ્રેષ્ઠ કૃતિ છે. આ ચર્ચના બેનમૂન કોતરેલા પ્રવેશદ્વાર સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. ભારત સરકારે તેની સંપૂર્ણ કાળજી લીધી છે. તે પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે. ડોમિનિકન મઠ, એક ખંડેર ચર્ચ છે. જે મોટી દમણ કિલ્લામાં સ્થિત ડોમિનિકન મઠને ઘણીવાર ખંડેર ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ મઠ 1567 માં સેન્ટ ડોમિનિકની યાદમાં બનાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ચર્ચનો વિનાશ ભૂકંપને કારણે થયો હતો. જે બાદ ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
દમણની દીવાદાંડી : દમણ લાઇટહાઉસ પણ એક પ્રખ્યાત સ્થળ છે, જ્યાં લોકો તેની આસપાસના અદભુત દ્રશ્યો જોવા માટે મુલાકાત લેવાનું પસંદ કરે છે. દમણમાં બે લાઇટહાઉસ છે. બંને દમણ ગંગા ખાડી પાસે આવેલા છે. પોર્ટુગીઝ દ્વારા બાંધવામાં આવેલ જૂની દીવાદાંડી, જેને પોર્ટુગીઝમાં Damão Rio Sandalção 1884 કહે છે. આ બંને લાઇટ હાઉસનું લેખક કે.સી. સેઠીએ એક કવિતામાં વર્ણન કર્યું છે. તેમણે આ દીવાદાંડીનું સદીઓથી સમુદ્રની સેવા કરતા પિતા અને પુત્ર તરીકે વર્ણન કર્યું છે.
દમણના ચર્ચનો ભવ્ય ઈતિહાસ : અવર લેડી ઓફ એંગ્યુસ્ટિયસ ચેપલ દમણનું સૌથી જૂનું ચર્ચ છે. જે મોટી દમણ કિલ્લાની બહાર 17 મી સદીમાં પોર્ટુગીઝ ગવર્નર દ્વારા એગોસ્ટિન્હો જેવિયર ડી સિલ્વા વિડિગલની કબર પર બાંધવામાં આવ્યું હતું. સંત જેરોમ કિલ્લાનું નિર્માણ ઈ.સ. 1614 માં મુગલોના આક્રમણ બાદ શરૂ કરવામાં આવ્યું અને 1672 માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. "અવર લેડી ઓફ ધ સી" ચર્ચ તેની અંદર સ્થાપિત છે અને એક ભાગમાં એક ખ્રિસ્તી કબ્રસ્તાન પણ છે. અવર લેડી ઓફ ધ સી ચર્ચ દમણમાં મુલાકાત લેવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે, જેનું નિર્માણ વર્ષ 1627 માં કરવામાં આવ્યું હતું.
- અવર લેડી ઓફ રેમેડીઝ ચર્ચ અવર લેડી ઓફ રેમેડીઝ એ એક અદ્ભુત ચેપલ છે, જે જૂના વિશ્વના આકર્ષણનું પ્રદર્શન કરે છે. જે ઇન્દ્રિયોને મંત્રમુગ્ધ કરે છે. મુખ્ય આકર્ષણ ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવેલ સફેદ ક્રોસ છે. ચર્ચમાં બેનમૂન નકશીકામ કરવામાં આવ્યું છે.
- અવર લેડી ઓફ ફાતિમા ચર્ચ મોટી દમણ કિલ્લાના પરિસરમાં અવર લેડી ઓફ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના પરિસરમાં એક જૂના પોર્ટુગીઝ ચર્ચના ખંડેર છે. છત વિનાના ચર્ચના ખંડેર એટલા ઊંચા છે કે તે મોટી દમણ કિલ્લાના રસ્તાથી પણ જોઈ શકાય છે. આ પણ 16 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.
દમણ જેટી-લોકપ્રિય પ્રવાસન સ્થળ : દમણ ગંગા નદીના કિનારે દમણ જિલ્લાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક એવી નાની દમણ જેટી આવેલી છે. તે લાંબા સમયથી સ્થાનિકો અને પ્રવાસીઓ માટે નવરાશનો સમય પસાર કરવા માટે એક પ્રિય સ્થળ છે. આ વિસ્તારમાં જેટી ગાર્ડન, નદીમુખ, ડોક્સ, કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ, સેન્ટ જેરોમ ફોર્ટનો સમાવેશ થાય છે. જેની અંદર ચર્ચ ઓફ અવર લેડી ઓફ ધ સી સ્થિત છે. તેમાં તમામ વય-જૂથ અને વિવિધ પ્રવાસીઓ માટે કંઈક નોખું અનોખું છે.
બાળકોને પ્રિય-જેટી ગાર્ડન : જેટી ગાર્ડન વર્ષોથી બાળકોમાં લોકપ્રિય છે, કારણ કે તેમાં બાળકો માટે રમતનું મેદાન છે. જ્યાં દમણ ગંગા નદી અરબી સમુદ્રને મળે છે. તેને ભારત સરકાર દ્વારા ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં બાળકોના ઝૂલા, ઉંચા સ્ટેન્ડ, પુસ્તકાલય અને ખાણીપીણીની દુકાન પણ છે.
નાની અને મોટી દમણ માર્કેટ્સ : નાની દમણના મુખ્ય ચાર રસ્તા પર મ્યુનિસિપલ માર્કેટ અને નાની દમણ પોલીસ સ્ટેશનની સામે આવેલ છે. બન્નેનું હાલ નવીનીકરણ કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલ આ બજાર 1879 માં પોર્ટુગીઝ યુગ દરમિયાન બાંધવામાં આવેલી ઐતિહાસિક ઇમારત છે. આ બજાર તેના બાંધકામથી ખૂબ જ પ્રખ્યાત બજાર છે. આ માર્કેટમાં આયાતી ઉત્પાદનો ઉપલબ્ધ છે જે પ્રવાસીઓને આકર્ષે છે. તેના જૂના સ્વરૂપને યથાવત રાખીને સરકારે તેને તદ્દન નવું બનાવ્યું છે અને સુવિધાજનક શૌચાલય, પાર્કિંગ માટે તેની નજીક બહુમાળી પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે. એ જ રીતે મોટી દમણ માર્કેટ પણ તે જ સમયે પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેને પણ સરકારે નવું બનાવ્યું છે જે ખૂબ જ સુંદર અને સરાહનીય છે.
પોર્ટુગીઝ કવિ બોકાજ : મોટી દમણ કિલ્લામાં એક નાનકડું ઘર પોર્ટુગીઝ કવિ બોકાજનું (અલમાની સાદિનો) હતું. જેમને 1786 માં ગોવામાં ગાર્ડા-મરિન્હા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતમાં પોર્ટુગીઝ સામ્રાજ્યની વાસ્તવિકતા જોયા પછી તેમણે પોર્ટુગીઝ ભારતના તત્કાલિન ગવર્નર અને વાઇસરોયને નિર્દેશિત વ્યંગાત્મક સોનેટ લખ્યા હતા, જેના પરિણામે તેમને ગોવા છોડવું પડ્યું હતું. તેઓ 1789 ની શરૂઆતમાં દમણની એક પાયદળ કંપનીમાં લેફ્ટનન્ટ તરીકે જોડાયા. તેઓ 18 મી સદીના પ્રખ્યાત વ્યંગ કવિ હતા. આ ઘર આજે પણ સુંદર દેખાવમાં છે અને સરકાર પોર્ટુગીઝ વારસાને જીવંત રાખવાની સંપૂર્ણ કાળજી લઈ રહી છે.
સર્વ ધર્મના ધાર્મિક સ્થળ : નાની દમણ પોલીસ સ્ટેશન લગભગ 170 વર્ષ જૂનું હતું. ઇમારત બહારથી ખૂબ જ સુંદર હતી પરંતુ તેનું લાકડાનું માળખું દિવસેને દિવસે નબળું પડી રહ્યું હતું. સરકારે તેને ત્રણ માળનું બનાવવાનું નક્કી કર્યું અને તેને આકાર આપવા માટે નવા પોલીસ સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું છે. પોર્ટુગીઝ સમયગાળા દરમિયાન દમણના ચર્ચ ઉપરાંત ધાર્મિક સ્થળોમાં 10 પ્રખ્યાત મંદિર, 1 ખોજા જમાત ખાના, 1 મસ્જિદ અલ બદરી, 7 મોટી મસ્જિદ, 1 મદરેસા અને પારસી ધાર્મિક સ્થળો વગેરેનો સમાવેશ થાય છે. જે હજુ પણ સંપૂર્ણ સ્થિતિમાં છે અને કેટલાકને નવું રૂપ આપી દમણની સાથે તેનો પણ કાયાકલ્પ થઈ રહ્યો છે.
કવિ ખબરદાર-સાહિત્યનો વારસો : દમણના અન્ય મહાન કવિ ગુજરાતી હતા, જે કવિ ખબરદાર તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 6 નવેમ્બર 1881 ના રોજ દમણમાં પારસી પરિવારમાં થયો હતો. તેમણે 1941 માં ગુજરાતી સાહિત્ય પરિષદની અધ્યક્ષતા કરી હતી. તેમણે લગભગ ગુજરાતીમાં 40 પુસ્તક અને અંગ્રેજીમાં બે પુસ્તકો લખ્યા હતા. 30 જુલાઈ 1953 ના રોજ મદ્રાસમાં તેમનું અવસાન થયું. જેટ્ટી રોડ પર કવિ ખબરદારનું ખૂબ મોટું અને સુંદર ઘર આજે પણ ઉભું છે જે લગભગ 160 વર્ષ જૂનું છે.
કવિ-લેખક સેઠી દંપતી : આ ઘરમાં લુલ્લી પરિવાર 1961 થી રહે છે અને તેની સંપૂર્ણ સંભાળ રાખે છે. હાલના હયાત લેખક કે. સી. સેઠીના બહેન કાન્તા ગ્રોવર લગભગ 25 વર્ષથી આ ઘરમાં રહે છે. કવિ લેખક સેઠી દંપતીએ દમણના વારસાને પુસ્તક રૂપે પ્રગટ કર્યો છે. હાલમાં દમણ પર પોર્ટુગીઝ શાસન પર અનેક ભાષામાં પુસ્તક લખનાર, કોફી ટેબલ બુક તૈયાર કરનાર સેઠી દંપતી ત્રીજા કવિ, લેખક છે. જેઓ જાન્યુઆરી 1981 માં દમણ આવ્યા બાદ દમણવાસી બનીને રહે છે.