- કેન્દ્રશાસિત પ્રદેશમાં ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ પ્રારંભ
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે અભ્યાસક્રમ શરૂ
- શાળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણ લીધું
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં સોમવારથી શાળાઓ શરુ કરવામાં આવી છે. દમણમાં માછી મહાજન સ્કૂલમાં વિદ્યાર્થીઓની સારી સંખ્યામાં હાજરી નોંધાઇ હતી. શાળા અભ્યાસ શરુ થતા શિક્ષકોએ પણ ખુશી વ્યક્ત કરી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે અભ્યાસક્રમ શરૂ કર્યો હતો.
પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવાની મંજૂરી
દમણમાં કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અનેક સમસ્યાઓનો સામનો કર્યા બાદ સોમવારથી શાળા અભ્યાસ શરુ થયો છે. પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસ જોવા મળ્યા નથી અને દેશમાં રસીકરણ અભિયાન શરૂ થતાં કેન્દ્રીય વહીવટીતંત્રએ આ મંજૂરી આપી છે.
શાળા સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટેની વ્યવસ્થા કરી છે. કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે દરેક શાળામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.
સરકારના નિર્ણયને આવકાર્યો
10 મહિના અને 11 દિવસ બાદ શાળા ખુલતા વિદ્યાર્થીઓમાં પણ એમના મિત્રોને મળ્યાનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો. શાળામાં અભ્યાસ ક્રમ દરમિયાન પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણ લીધું હતું. દરેક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આવકાર્યો હતો.