- દમણ મરવડ હોસ્પિટલમાં હોબાળો
- દર્દીના પરિજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપ
- દર્દીના પરિજનોએ પોલીસની સામે જ તબીબ પર હુમલો કર્યો
દમણ: શહેરના મરવડ હોસ્પિટલમાં 15 દિવસ પહેલા એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીને તબીબો યોગ્ય સારવાર નથી આપતા હોવાના આક્ષેપ સાથે દર્દીના પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો કરી તબીબ પર હુમલો કર્યો હતો. દમણની મરવડ હોસ્પિટલમાં ગત 25 એપ્રિલની રાત્રે દર્દીઓના સબંધીઓએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિજનોએ આક્ષેપ કર્યા હતા કે તેમના સભ્ય સારા હોવા છતાં તેને ICUમાં ઓક્સિજન પર લઈ જઈ ઓક્સિજન નથી આપતા અને દર્દીઓને મારી રહ્યા છે. આ હોબાળો થયો ત્યારે આવેશમાં આવેલા દર્દીના પરિવારજનોએ ડો. શૈલેષ પર હુમલો કર્યો હતો અને તેને માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતાં તેમજ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચોઃ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનોએ કર્યો હોબાળો
ટોળાએ હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કર્યો
એક્ત્ર થયેલા ટોળાએ હોસ્પિટલના કર્મચારી સાથે મારામારી કરી હોવાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે જઇ મામલો શાંત પાડવા પ્રયાસો કર્યા હતા. સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી વિગતો મળી હતી કે દમણના ખારીવાડના યુવકને 15 દિવસથી નોન કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ દર્દીએ 15 દિવસથી ખોરાક લીધો નહોતો એટલે તેને પેન્ક્રીયાટાઇટીસ થઈ ગયો હતો અને ઓક્સિજન લેવલ ઘટતા ICUમાં સારવાર માટે ખસેડાયો હતો. આ દરમિયાન ઓક્સિજન તેને પૂરતી માત્રામાં પહોંચતો ના હોય તબીબે તેનું માસ્ક હટાવી બાયપેક ઇન્ટ્રીબ્યુશન કરવાની તૈયારી આરંભી હતી જે દરમિયાન દર્દીના સગાઓએ તે જોઈ જતા હોબાળો મચાવી આક્ષેપો કર્યા હતા કે તબીબો ઓક્સિજન બોટલ હટાવી દર્દીની કોઈ સારવાર આપતા નથી.
CCTV ફૂટેજના આધારે કાર્યવાહી
હકીકતમાં દર્દીની ક્રિટિકલ કંડીશન હતી જેને નોર્મલ કન્ડિશનમાં લાવવા તબીબો ભરપૂર પ્રયાસો કરતા હતાં. જો કે જે દર્દી માટે તેના પરિવારજનોએ હોબાળો મચાવી તબીબને માર માર્યો હતો. તે દર્દીએ આખરે સવારે દમ તોડી દીધો હતો. જ્યારે ઘટનાની તપાસ કરતી પોલીસે CCTVના આધારે હોસ્પિટલ મેનેજમેન્ટની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી વિદ્યાર્થિનીનું કોરોનાથી મોત, હોસ્પિટલ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો
તબીબ પર હુમલો કરવો શરમજનક
મરવડ હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, મરવડ હોસ્પિટલની હેલ્પલાઇન ડેસ્ક પર નોંધાવેલા નંબર પર પરિવારના સભ્યોને દર્દીની સારવારની તમામ જાણકારીઓ સમયસર આપવામાં આવતી હતી. દર્દીની મુલાકાત કરાવવામાં આવતી હતી. તેમ છતાં દર્દીના પરિવારના સભ્યો મહામારીના સમયે હોસ્પિટલના સ્ટાફ પર ખોટા આક્ષેપ લગાવી રહ્યા છે. કોરોના મહામારીમાં મરવડ હોસ્પિટલનો તમામ સ્ટાફ સંક્રમિત થવાની ચિંતા કર્યા વગર દર્દીને સારવાર આપવાનું લક્ષ બનાવી કામગીરી કરી રહ્યા છે.