વાપીમાં ડુંગરી ફળિયા દેગામ રોડ પર વર્ષોથી બિરાજમાન પંચમુખા હનુમાન દરેક હનુમાન ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે. ભક્તોના કષ્ટ દૂર કરનારા આ પંચમુખા હનુમાન મંદિરે દર વર્ષે વાપી અને તેની આસપાસના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થતું આવ્યું છે.
આ વખતે હનુમાન જયંતિએ ખાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહથી અહીં રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર કરુણામૂર્તિ સંજય શાસ્ત્રીના મુખેથી વહેતી રામકથાનું રસપાન કરવા દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે.
હનુમાન સેવા મંડળ આયોજિત આ રામકથાનો સમય સાંજના 4 થી 7 રાખવામાં આવ્યો છે. જેમાં ઉપસ્થિત શ્રોત્તાઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલ ચાલી રહેલા રામકથાનું 18મી એપ્રિલે સમાપન થશે. તો તે બાદ હનુમાન જયંતિ હોવાથી વહેલી સવારે હનુમાનની પ્રતિમાનું નગર ભ્રમણ કરાવીને પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.
મહત્ત્વનું એ છે કે, આ દિવસે જ વાપીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. ત્યારે તેઓ પણ અહીં ખાસ દર્શને આવે તે માટે આયોજકો દ્વારા તમામ તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે.