વાપી: વાપી નજીક દમણની કચિગામ બોર્ડર પર આવેલી મેક્લોડ ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી 100થી વધુ મહિલા કર્મચારીઓએ કંપનીના ગેટ સામે પગાર મુદ્દે હંગામો મચાવ્યો હતો, ત્યારે કંપની સંચાલકોએ પોલીસ બોલાવી લાઠીચાર્જ કરાવ્યો હતો.
લોકડાઉનમાં સરકાર તરફથી દરેક કંપનીને કર્મચારીને પગાર ચુકવવાનો આદેશ કરાયો હોવા છતાં મેક્લોડ કંપનીએ આ મહિલા કમર્ચારીઓને બે મહિનાનો પગાર ચુકવ્યો નથી. તેમજ તેમને કામ પર પણ બોલાવવામાં આવી નથી. જેથી ઘરમાં રાશન પાણી અને પૈસા વગર આ મહિલાઓના પરિવારનું જીવન મુશ્કેલીમાં મુકાયુ હતું.
કંપનીમાં કામ કરતી મોટાભાગની મહિલાઓ પરપ્રાંતીય હોય અને વાપીમાં ભાડાની રૂમમાં રહેતી હોવાથી પગાર ન થતા તેમનું ભાડું પણ બાકી હોવાથી રૂમ માલિકો પણ તેમને રૂમમાંથી બહાર કાઢવાની ધમકીઓ આપી રહ્યાં છે, જેથી વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલા કર્મચારીઓએ મંગળવારે કંપનીના ગેટ પર હોબાળો મચાવીને બાકી પગાર ચૂકતે કરવાની માંગ કરી હતી.
છેલ્લા બે મહિનાથી આ મહિલાઓ કંપની પાસે પગારની માંગ કરી રહી છે, અને કંપની સંચાલકો પગાર આપવા મુદ્દે ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે. અને હજુ સુધી કંપની સંચાલકો દ્વારા આ મહિલાઓને પગાર આપવા કે કંપનીમાં કામ પર બોલાવવા મુદ્દે કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. કંપની સંચાલકોએ પગાર માંગવા આવેલી મહિલાઓને વિખેરવા પોલીસ બોલાવીને લાઠી ચાર્જ કરાવી દીધો હતો.
જેથી કંપની અને પોલીસ પ્રશાસનથી નિરાશ થયેલી મહિલાઓ ફરી પોતાના ઘરે ચાલી ગઈ હતી, પણ મુદ્દાની વાત એ છે કે જો મેક્લોડ જેવી કંપનીઓ ગરીબ કામદારોને હકના પૈસા દબાવીને તેમના પર પોલીસ પ્રશાસનનું દબાણ લાવતી રહેશે અને આવા સમયમાં જો સ્થિતિ વધુ વણસી તો તેના જવાબદાર કોણ? ત્યારે પ્રશાસન પણ કામદારોનો પગાર ચાઉં કરી જતી અને તેમને નિયમ વિરુધ્ધ નોકરીમાંથી રુખસત આપતી આવી મૌકા પરસ્ત કંપનીઓ સામે પગલાં લે તે સમયની માંગ છે.