ઘૂઘવતા અરબ સાગરને કિનારે આવેલો સંઘપ્રદેશ દમણ પ્રવાસીઓ માટે વેકેશન માણવાનું હોટ ડેસ્ટિનેશન છે. હાલમાં એક તરફ ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે, દરિયા કિનારે ઠંડક ભર્યા વાતાવરણનો અહેસાસ કરવા અને દરિયાના પાણીમાં મોજમસ્તીની છોળો ઉડાડતા પ્રવાસીઓનો ધસારો જાણે વધી રહ્યો છે.
દમણ આવતા પ્રવાસીઓ માટે જામપોર બીચ હંમેશા પહેલી પસંદ છે ત્યારે, આ વખતે જામપોર બીચ પર પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓમાં વધારો કરાયો છે. દરિયા કિનારે ડાઇવિંગ બાઇક, બોટિંગ, પેરાગ્લાઈડિંગ, ઊંટ સવારી કે ઘોડેસવારી કરવા માંગતા પ્રવાસીઓ માટે તમામ સુવિધા ઉભી કરી છે. જેનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ પણ તમામ મનોરંજક રાઈડમાં સવારી કરી વેકેશનના દિવસોને મસ્તીભર્યા દિવસો તરીકે માણી રહ્યાં છે.
જામપોર બીચ પર વેકેશન દરમ્યાન ગુજરાતી પ્રવાસીઓ સૌથી મોટા પ્રમાણમાં આવે છે. અમદાવાદ, સુરતથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, દમણમાં ઘણી વખત આવીએ છીએ. અહીં ઘણી નવી સુવિધાઓ વિકસિત થઈ છે અને બીચનો વિકાસ પણ થયો છે. દરિયામાં નહાવાની અને અન્ય રાઈડમાં બેસવાની ખૂબ મજા આવે છે. પ્રવાસીઓમાં કેટલાક ત્રણ દિવસની ટુર પર દમણ આવેલા છે અને ત્રણ દિવસથી દમણના જામપોર બીચ પર આવી ડાઇવિંગ બાઇક, બોટિંગ, પેરાગ્લાઈડિંગ, ઊંટ સવારી, ઘોડેસવારીનો આનંદ ઉઠાવી રહ્યા છે.
જામપોર બીચ પર દરિયા દર્શન વોટર સ્પોર્ટ્સ દ્વારા ડાઇવિંગ બાઇક, બોટિંગ, પેરાગ્લાઈડિંગની સુવિધા ઉભી કરનાર સ્થાનિક પૂનાભાઈએ જણાવ્યું હતું કે, જે મનોરંજક એક્ટિવિટી માટે ગુજરાતના અને સ્થાનિક દમણના લોકોએ ગોવા, મનાલી કે થાઈલેન્ડ જવું પડતું હતું. તે તમામ એક્ટિવિટી હાલ દમણના જામપોર બીચ પર શરૂ કરવામાં આવી છે અને લોકોનો પણ ખુબ જ ધસારો છે. પરિવાર સાથે આવતા લોકોને અહીં તમામ પ્રકારની સુવિધાની પુરી પાડવામાં આવે છે.