આદિવાસી મુલક ગણાતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં. એક તરફ ચોમાસુ મોડું બેઠું હતું. તો બીજી તરફ જોઈએ તેવો વરસાદ વરસતો નહોતો. ત્યારે, મુખ્યત્વે ડાંગરની ખેતી કરતા આદિવાસી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જો કે તે બાદ છેલ્લા એક સપ્તાહથી કયાંક ધીમીધારે તો ક્યાંક જોરદાર વરસાદ વરસતા ભાત (ડાંગર)ના ધરૂમાં પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું હતું. અને ખેડૂતોએ ખુશખુશાલ હૈયે ડાંગરની રોપણી શરૂ કરી છે.
આ અંગે દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગના સુપરવાઈઝર સુરેશ ભોયાએ ETV સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં કુલ 17,500 હેકટર ખેતીની જમીન છે. જેમાંથી 14,250 હેકટરમાં ડાંગર (ભાત)નું વાવેતર થાય છે. આ વખતે વરસાદ મોડો શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. પરંતુ હાલ સારો વરસાદ વરસતા આ એક સપ્તાહમાં જ 70 ટકા ખેડૂતોએ ડાંગરની રોપણી સંપન્ન કરી લીધી છે. અને બાકીના ખેડૂતો પણ આગામી સપ્તાહમાં ડાંગરની રોપણી સંપન્ન કરી લેશે.
ખેતીવાડી વિભાગ પણ ખેડૂતોને ખાસ મદદરૂપ થાય છે. આ વખતે ખેતીવાડી વિભાગે 209 ખેડૂતોને ધરૂનું વેંચાણ કર્યું છે. એ સાથે જ 9500 કિલોગ્રામ બિયારણ ખેડૂતોને આપ્યું છે. 340 કિલોગ્રામ રાસાયણિક ખાતર આપ્યું છે. ખેતીવાડી વિભાગ દર વર્ષે ખેડૂતો ને 50 ટકા સબસીડીના દરે અન્ય બાગાયતી પાકોની કલમનું પણ વિતરણ કરે છે. દાદરા નગર હવેલીનો મુખ્ય પાક ડાંગર છે. જેનું દર વર્ષે હેકટર દીઠ 2500 કવીંટલનું ઉત્પાદન થાય છે. એ ઉપરાંત ઢોળાવવાળી જમીનમાં નાગલી નામના ધાન્યનું અને તુવેર-અડદ જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે. સારી અને માવજત વાળી જમીનમાં હેકટર દીઠ 1500 કવીંટલ નાગલી અને 8 થી 10 કવીંટલ તુવેર-અડદનું ઉત્પાદન થાય છે.
તો, એજ રીતે દમણમાં 1700 હેકટર ખેતી વિસ્તાર છે. જેમાં 1200 હેકટરમાં ડાંગરનું વાવેતર થાય છે. દમણ ખેતીવાડી વિભાગે આ વખતે 8000 કિલોગ્રામ બિયારણનું વિતરણ કર્યું છે. એજ રીતે, જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતરનું વિતરણ પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
જ્યારે, વલસાડ જિલ્લાના 5 તાલુકામાં વલસાડ ખેતીવાડી વિભાગે 18348 કિલોગ્રામ ડાંગરના બિયારણનું વિતરણ કર્યું છે. વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગના કેતન ખુરાટના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલમાં સારો વરસાદ વરસ્યો છે. ખેડૂતોએ ડાંગર અને અન્ય પાકોની રોપણી શરૂ કરી છે. જેમાં વલસાડ જિલ્લાના પાંચ તાલુકામાં કુલ 28240 હેકટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. વલસાડ તાલુકામાં સૌથી વધુ 7585 હેકટરમાં ડાંગરનું વાવેતર થયું છે. એવી રીતે પારડીમાં 5152 હેકટરમાં, ઉમરગામમાં 5311 હેકટરમાં, ધરમપુરમાં 4120 હેકટરમાં, કપરાડામાં 4060 હેકટરમાં અને વાપીમાં સૌથી ઓછું 2022 હેકટરમાં વાવેતર થયું છે.
જિલ્લામાં 6796 હેકટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે. 5217 હેકટરમાં અડદનું વાવેતર કરવામાં આવ્યું છે. 794 હેકટરમાં અન્ય કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં 525 હેકટરમાં નાગલીનું વાવેતર કરવામાં આવ્યું છે. ખરસાણ 2345 હેકટરમાં, ઘાસચારો 2299 હેકટરમાં, લીલો પડવાશ 909 હેકટરમાં અને શાકભાજીનું 2998 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. કુલ 50234 હેકટરમાં ચોમાસુ આધારિત વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જે આગામી દિવસમાં પણ સારો વરસાદ વરસતો રહેશે તો વાવેતર વધવાની શક્યતા વર્તાઈ રહી હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણમાં ખેતીવાડી વિભાગ પોતે જ પોતાના ફાર્મ ધરાવે છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્રના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંશોધન પામેલી સારી જાતોનું એક બે વર્ષ સુધી વાવેતર કરી તે પાકની જાતોને સ્થાનિક ખેડૂતોને વાવેતર માટે આપે છે. એ ઉપરાંત બાગાયતી ખેતીની જેવી કે આંબા, લીંબુ વગેરેની કલમ પણ 50 ટકા જેવી સબસીડી સાથે ખેડૂતોને વાવેતર માટે આપે છે. હાલમાં જ દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ સ્થાનિક ખેડૂતોને 4500 જેટલી આંબાની કલમ પણ વિતરણ કરવાનું છે. જેમાં કેસર, હાફૂસ, રાજપુરી કેરીની કલમની સમાવેશ થાય છે.