ઇજાગ્રસ્ત બંને બહેનોના જણાવ્યા અનુસાર હાઈલાઈન કંપનીના માલિકે 3 દિવસ પહેલા પોતાની કંપનીમાં તાંબાના વાયર ચોરવાની ઘટના અંગે શંકા રાખી કંપનીમાં સફાઈકામ કરતી બંને બહેનોને દાદરા પોલીસ મથકે બોલાવ્યા હતા. પરંતુ કોઈ નક્કર પુરાવા ન મળતા બંને મહિલાઓને તેમના નિવાસ સ્થાને મોકલી દેવામાં આવ્યા હતા.
તારીખ 13 મેના રોજ કંપની માલિક દીક્ષિત માગીલાલ જીરાવાળા અને મેનેજર દીપેન્દ્ર રામગણ બન્નેએ પીડિતાના નિવાસ્થાને જઇને કામ પર ન આવવાનું કારણ પૂછ્યું હતું. ત્યારબાદ કંપની પર ચાલો એમ કહી ગાડીમાં બેસાડી કંપનીના ગેટ પર લાવવામાં આવ્યા હતા. બાદમાં ત્યાં પડેલી લાકડી વડે માર માર્યો હતો અને અંદર લઇ જઇ તાંબું ચોર્યાનો ગુનો કબૂલ કરવા દબાણ કર્યું હતું. સફાઈ કર્મી મહિલાઓએ નનૈયો ભણતાં કંપની માલિક દીક્ષિતે રોષે ભરાઈને હાથ, પગ અને ગુપ્ત ભાગે ઢોર માર મારી ગરમ સોલ્ડર દ્વારા ડામ આપ્યા હતા.
આટલાથી સંતોષ ન થતા બંને મહિલાઓને અંધારામાં ગાડીમાં બેસાડી મોરખલ ગામના જંગલમાં લઇ જઈ ગુનો કબુલ કરવા દબાણ પણ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. અત્રે પણ બંને બહેનોએ ચોરીનો ઇનકાર કરતા માલિકે ધમકી આપી જણાવ્યું આ જંગલમાં તમારા પર બળાત્કાર કરાવીશું. છતાંયે મહિલાઓ પોતાના નિવેદનો પર અડગ રહેતા કંપનીના માલિકે હારી થાકીને મહિલાઓને ભાડુ આપી ઘરે જવા માટે જણાવ્યું હતું અને પોતે કરેલા અત્યાચાર અંગે કોઈને જણાવે તો મારી નાખવાની ધમકી આપી હતી.
ઇજાગ્રસ્ત મહિલાઓએ એમના મિત્ર વર્તુળમાં જાણ કરી એમની સાથે જંગલમાંથી ઘરે પોલીસમાં જાણ કરતા દાદરા પોલિસે ઇજાગ્રસ્તોને સેલવાસની વિનોબભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી આરોપીઓ દીક્ષિત માગીલાલ જીરાવાળા અને દીપેન્દ્ર રાય સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.