દમણ : 31 ડિસેમ્બરની રાત્રે વર્ષ 2023 ને વિદાય આપવા અને નવા વર્ષ 2024 ને આવકારવા યુવાનો તૈયાર છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે દમણ હોટસ્પોટ બન્યું છે. પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે 31 ડિસેમ્બરની નાઈટ પાર્ટીમાં શરાબ, સી-ફૂડ, વેજ-નોનવેજ વાનગીની લિજ્જત અને DJ ના તાલે ઝૂમવા આવતા લોકો દમણમાં 2-3 દિવસના પ્રવાસ પર આવે છે. જે માટે હોટેલ મેનેજમેન્ટ દ્વારા આકર્ષક પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે.
નવા વર્ષની ઉજવણી : કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પ્રવાસીઓ માટે મનપસંદ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. દર વર્ષે 31 ડિસેમ્બરની નાઈટ પાર્ટીમાં ઝૂમવા, વેજ-નોનવેજ વાનગી અને શરાબની લિજ્જત માણવા ગુજરાત-મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણની હોટેલમાં આવે છે. આ વર્ષે પણ 2023 ના અંતિમ દિવસે વર્ષ 2024 ને વેલકમ કરવા પ્રવાસીઓએ દમણની અલગ અલગ હોટેલમાં બુકીંગ કરાવેલું છે.
આકર્ષક પાર્ટી પેકેજ : આ અંગે દમણના દેવકા ખાતેના સેન્ડી રિસોર્ટના સંચાલક આશિષ રાઠોડે જણાવ્યું હતું કે, આ વર્ષે 31st ની ઉજવણી માટે મોટાભાગનું બુકિંગ થઈ ગયું છે. ન્યુ યર પાર્ટી માટે હોટેલ મેનેજમેન્ટ DJ બુકિંગ સહિત ડિનર માટે સ્પેશિયલ વાનગીનું મેન્યુ તેમજ વિશેષ પેકેજ તૈયાર કરી પ્રવાસીઓને આકર્ષક ઓફર આપી છે. 31st ડિસેમ્બરની લાસ્ટ નાઈટ પાર્ટીના આયોજન માટે 5 હજારથી 30 હજાર સુધીના પેકેજ હોટેલ સંચાલકોએ જાહેર કર્યા છે.
ગુજરાતીઓની પહેલી પસંદ : દર વર્ષે ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં ક્રિસમસ અને 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે હજારો પ્રવાસીઓ દમણ આવે છે. જેથી દરવર્ષે ન્યુ યર પાર્ટીનું આયોજન થાય છે. હોટલ સ્ટાફને પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં શરાબનું સેવન અને વેચાણ કાયદેસર છે. દરવર્ષે ગુજરાત સહિત મુંબઈ અને નાસિકથી હજારો પ્રવાસીઓ વર્ષના અંતિમ દિવસ એટલે કે 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીની મજા માણવા દમણમાં પધારે છે.
રેગ્યુલર ગ્રાહકોને મળી અનલિમિટેડ મોજ : આ વર્ષે મિરામાર જેવી હોટેલોમાં ડાન્સ પાર્ટીને બદલે ગેસ્ટ માટે માત્ર ખાણીપીણીની વાનગી અને લીકરની વ્યવસ્થા કરી છે. ઘણીખરી હોટલોમાં તેમના સિલેક્ટેડ કાયમી ગ્રાહકો માટે અનલિમિટેડ લિકર, અનલિમિટેડ બાઈટિંગ અને 7 કોર્સ મેન્યુ આપવામાં આવે છે. આવી કેટલીક હોટલોમાં 15 હજારથી 25 હજારના પેકેજ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દમણમાં વર્ષના અંતિમ સપ્તાહમાં આવતા પ્રવાસીઓ દેવકા બીચ પર અને મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ પર દરિયાકિનારે ફરી યાદગાર ક્ષણ મનાવે છે. આ સાથે અહીંની પોર્ટુગીઝ ધરોહરને નજરો-નજર જુવે છે. પ્રવાસીઓ જે તે હોટેલમાં રોકાણ કરી શરાબ અને સી-ફૂડ વાનગીઓનો સ્વાદ લે છે.
બોસ જલસો પડી ગયો ! દમણ હોટેલિયર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હરેશભાઈના જણાવ્યા મુજબ દમણમાં 100 જેટલી હોટલ તેમના એસોસિએશન સાથે જોડાયેલ છે. અન્ય હોટલ મળીને કુલ 140 જેટલી હોટેલો છે. આખા વર્ષ દરમિયાન દમણમાં 11 લાખ જેટલા પ્રવાસીઓ આવે છે. જેમાં ક્રિસમસ વેકેશન દરમિયાન અંદાજે 1 લાખ પ્રવાસીઓ દમણ આવે છે. જેમાંના મોટાભાગના 31st નાઈટ પાર્ટીની મજા માણે છે. હોટલ સંચાલકો અનેક વેરાયટીસભર વાનગી સાથે અન્ય સુવિધા પુરી પાડે છે. હોટેલોને રંગબેરંગી રોશનીથી શણગારી વર્ષના અંતિમ દિવસ નિમિતે 12 વાગ્યા સુધી DJ ના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવો પ્રબંધ કરવામાં આવે છે.
રંગમાં ભંગ પાડશે ગુજરાત પોલીસ ? હાલમાં દમણ પ્રશાસને દમણમાં પ્રવાસીઓ માટે અનેક સુવિધામાં વધારો કર્યો છે. આ વર્ષે દમણમાં 31st ડિસેમ્બરે પ્રવાસીઓ પાછલા દરેક રેકોર્ડને તોડશે એવી આશા છે. જોકે ગુજરાત પોલીસ બોર્ડર પર પીધેલાઓને પકડવાની ઝુંબેશ હાથ ધરતી હોય છે. ત્યારે આ કાર્યવાહીમાં વર્ષના આ અંતિમ દિવસોમાં છૂટછાટ મળે તો દમણમાં પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થાય તેવી શક્યતા હોટલ સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે.