- મહિલા મોરચાની પ્રમુખે રચી અપક્ષ પેનલ
- શિક્ષિત છે એટલે ટિકિટ નથી મળતી તેવા કર્યા આક્ષેપો
- અપક્ષ તરીકે જીત મેળવશે તેવું દ્રઢ મનોબળ
ઉમરગામ: નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં ભાજપની મહિલા મોરચાની પ્રમુખ કવિતા પટેલે પોતાની અલગ પેનલ રચી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ અંગે કવિતા પટેલે આક્ષેપો કર્યા હતાં કે, ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં તે સતત 4 વર્ષથી ટિકિટ માંગે છે પરંતુ પોતે શિક્ષિત કાર્યકર છે એટલે તેને સતત અવગણવામાં આવતા નારાજ થઈ અપક્ષ ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે.
વોર્ડ નંબર 4માં અપક્ષ પેનલ રચી
વોર્ડ નંબર 4માં અપક્ષ પેનલ ઉભી કરી ચૂંટણી જંગમાં ઝંપલાવનાર કવિતા પટેલ ઉમરગામ નગરપાલિકાની મહિલા મોરચાની પ્રમુખ છે. તે વ્યવસાયે વકીલ અને BALLM સુધીનો અભ્યાસ કરી ચુકી છે. કવિતાએ આક્ષેપો કર્યા હતા કે, તે ભાજપના સક્રિય કાર્યકર તરીકે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને દર વખતે ચૂંટણીમાં ટિકિટની માગણી કરતી આવી છે, પરંતુ પોતે ઉચ્ચ અભ્યાસ ધરાવતી મહિલા હોય તેની સતત અવગણના કરવામાં આવે છે.
સ્થાનિક નેતાઓ સામે નારાજગી
જ્યારે પણ ટિકિટની માગણી કરી ત્યારે દર વખતે વોર્ડ નંબર 4માં ભાજપના અન્ય ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોંપી તે પછીની ચૂંટણીમાં ટિકિટ આપવાના વાયદા કરી તે પાળતા નથી. આ વખતે ST પ્રમુખની સીટ છે અને પોતે પણ STમાંથી આવે છે એટલે ટિકિટની માગણી કરી હતી. જોકે માગણી પક્ષે સ્વીકારી નહિ એટલે પોતાની અલગ પેનલ રચી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં પોતે વિજેતા બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કવિતાએ જણાવ્યું હતું કે, તે ભાજપની 20 વર્ષ જૂની કાર્યકર હોવા છતાં પક્ષમાં તેની સતત અવગણના થઈ છે. તેમ છતાં પોતે ભાજપની કાર્યકર છે તેની નારાજગી સ્થાનિક નેતાઓ સામે છે. ભાજપ પક્ષ સામે કે તેની સરકાર સામે નથી.
જેના કૌભાંડ ખુલ્યા તેની પત્નીને મળી ટિકિટ
નવાઈની વાત એ છે કે, તુલસી ભંડારીએ ઉમરગામ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોએ કરેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમ છતાં તે કૌભાંડમાં જે અપક્ષ ઉમેદવાર હતા તેની જ પત્નીને ભાજપે ટિકિટ આપી છે. પોતે ભાજપ માટે પોસ્ટર બોયથી સક્રિય કાર્યકર તરીકે સેવા આપી છે. આજે પણ સેવા આપે છે અને પક્ષના આદેશ અનુસાર કાર્ય કરી રહ્યા છે.