દમણઃ સેલવાસ નજીક આવેલા આમલી વિસ્તારમાં પૂજા વ્યુ એપાર્ટમેન્ટમાં બુધવારે 21 વર્ષીય ભાનુપ્રતાપ સિંહ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને પોલીસે વિનોબા ભાવે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોસ્ટમોર્ટમમાં યુવકનું ગળું ઘૂંટાવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યા બાદ તે અંગે તપાસ કરતા યુવકનો જે ઘરના બાથરૂમમાંથી મૃતદેહ મળેલો તે જ ઘરના IRBNના જવાન જીગ્નેશ વાળંદે હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસે હત્યાના આરોપમાં IRBN ના જવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક યુવકના પિતા અને હત્યા કરનારા ઈસમ IRBN (ઇન્ડિયન રિઝર્વ બટાલિયન) ફોર્સમાં ફરજ બજાવે છે. જેમાં મૃતક યુવક હત્યા કરનારા જીગ્નેશની પુત્રીના પ્રેમમાં હતો. ગત નવરાત્રીના તેનો પીછો કરી રહ્યો હતો. જે બાબતે બાદમાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જે વાત સહન નહી થતા તેણે યુવકને પોતાના ઘરે બોલાવી ગળું દબાવી હત્યા કરી હતી, તેમજ હત્યાને આત્મહત્યાના કેસમાં ખપાવવા મૃતક યુવકના હાથમાં એસિડની બોટલ મૂકી તેને બાથરૂમમાં નાખી પોલીસને જાણ કરી હતી. જેમાં આખરે તે જ અપરાધી તરીકે સપડાઈ ગયો હતો.