વલસાડઃ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના પાંચ કેસ સામે આવ્યાં છે. ઉમરગામ તાલુકામાં પણ એક કેસ સામે આવતા ગ્રામ પંચાયતો સજાગ બની છે. બહારગામથી આવતા લોકોને ગામમાં નહિ પ્રવેશવા તાકીદ કરતા બેનર માર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં મારેલા આ બેનરમાં લોકડાઉન નોટિસ :- ગામમાં આપનું સ્વાગત નથી. મહેરબાની કરીને પાછા વળી જાઓ, તમે તમારા ઘરમાં, અમે અમારા ઘરમાં, તમે સુરક્ષિત, અમે સુરક્ષિત, આપણો દેશ સુરક્ષિત, એવા શબ્દો લખવામાં આવ્યા છે.
એ ઉપરાંત બહારગામથી ગામમાં આવતા વાહનચાલકો, વટેમાર્ગુ માટે ખાસ અપીલ સાથે ચેતવણી આપવામાં આવી છે કે, મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધો, માસ્ક અથવા રૂમાલ નહિ બાંધનાર પાસેથી ગ્રામ પંચાયત દ્વારા પ્રથમ વખત 250 રૂપિયા દંડ પેટે અને બીજી વાર 500 રૂપિયા દંડ પેટે વસુલવામાં આવશે.
આ અંગે ઘોડિપાડા ગામના સરપંચ અશ્વિન ભાવર અને ભિલાડ ગ્રામ પંચાયતના કપિલ જાદવ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગામના મુખ્ય કહી શકાય તેવા પ્રવેશદ્વાર પર આ પ્રકારના 2થી 4 બેનર લગાવવામાં આવ્યા છે. જેથી લોકો સાવચેત રહે હજુ સુધી કોઈ પાસેથી કોઈ દંડની રકમ વસુલવામાં નથી આવી. લોકોમાં પણ ખૂબ જ જાગૃતિ છે. ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે બહારગામથી જે કોઈપણ મહેમાન કે સ્વજન આવે છે. તેની જાણ કરવામાં આવે છે. જેઓને જરૂર પડ્યે તંત્રમાં જાણ કરી ઘરે જ હોમ કવોરંટાઇન કરવામાં આવી રહ્યા છે. પંચાયત દ્વારા પણ જાગૃતિ ફેલાવી અંદાજિત 5 થી 10 હજાર માસ્કનું ફ્રી વેંચાણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના બેનર અને એ સાથે ડ્રમ, લાકડાંની આડશો મુકવામાં આવી છે. ગામના યુવાનો સતત બહારના વ્યક્તિઓ પર બાજ નજર રાખી તેઓને ગામમાં પ્રવેશતા અટકાવી જરૂરી પૂછપરછ બાદ જ પ્રવેશ આપી રહ્યા છે.