- કંપનીઓમાં મંદિરના ભંડારા માટે પૈસાની માગણી કરતા હતા 2 ઠગ
- બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
- સાંસદના નામે છેરપિંડી કરતા ઠગ ઝડપાયા
દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સાંસદ લાલુભાઈ પટેલ અને તેમના પરિવારના નામે દમણની વિવિધ કંપનીઓમાં મંદિરના ભંડારા માટે પૈસાની માગણી કરતા બે અમદાવાદી ઠગની દમણ પોલીસે ધરપકડ કરી હતી. આ બંને ઠગીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 2જી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
2 ઠગ દ્વારા છેતરપિંડી
દમણના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 2 અજાણ્યા ઈસમો તેમના અને તેના પરિવારના નામે કંપનીઓમાં ફરી રહ્યા છે. આ ઈસમો દરેક કંપની સંચાલકો પાસેથી મંદિરના અને ભંડારાના નામે પૈસાની માંગણી કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યાં છે. જેમાં અજાણ્યા ઈસમો બેન્ક એકાઉન્ટ નંબર આપી દાનની રકમ વસુલે છે.
દમણ કોર્ટમાં રજૂઆત
આ ફરિયાદ આધારે કોસ્ટલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં રીતેશકુમાર જોશી અને રાકેશ રામજી શર્મા નામના 2 અમદાવાદના રહેવાસીઓની ધરપકડ કરી વધુ તપાસ માટે દમણ કોર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં નામદાર કોર્ટે બંને આરોપીઓના 2જી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પકડાયેલા બંને શખ્સએ સાંસદના નામે દમણમાં કેટલા સ્થળોએથી પૈસાની ઉઘરાણી કરી છે. તે અંગે મોટી દમણ કોસ્ટલ પોલીસે તપાસ હાથ ધરી હતી.