દમણ : સંઘપ્રદેશ દમણમાં નાની દમણ સમુદ્ર નારાયણ જેટી નજીક નવા બનેલા માર્ગમાં 7 ફૂટનું મોટું બાબડું પડ્યું છે. દમણ પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દમણના બીચના રસ્તાઓને મુંબઈ મરીન ડ્રાઇવની માફક વિકસાવવામાં આવ્યા છે. જેમાં એક માર્ગ નાની દમણ જેટી ખાતે સમુદ્ર નારાયણ મંદિરનો છે. આ માર્ગને બનાવ્યાને હજૂ માંડ ગણતરીના મહિના વીત્યા છે, ત્યારે સિમેન્ટ કોન્ક્રીટનો આ રોડ તકલાદી હોવાનું સામે આવ્યું છે. આ માર્ગ પર અંદાજે સાત ફૂટનું ગાબડું પડ્યું છે. એક તરફના ભાગે માર્ગ બેસી જતા દમણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સંઘપ્રદેશ દમણમાં ન્યૂ ઇન્ડિયા, ન્યુ દમણ પ્રોજેક્ટમાં પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મોટી દમણના જામપોર બીચથી લઈ નાની દમણ દેવકા સુધી મુંબઈના મરીન ડ્રાઈવની માફક રોડનું નિર્માણ કરાયું છે. જો કે, નાની દમણ જેટી ખાતે સમુદ્ર નારાયણ મંદિરના પાછળના ભાગે હાલમાં જ બનેલો રોડ ધસી ગયો હતો. તેમાં રોડમાં મોટું ગાબડું પડતાં સોશિયલ મીડિયામાં સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. આ ઉપરાંત રોડ કેવી રીતે બેસી ગયો તે અંગે થર્ડ પાર્ટી પાસે તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.