- વાહનચાલકો કરે છે આડેધડ પાર્કિંગ
- મુખ્ય માર્ગો પર વાહનોનું પાર્કિંગ ટ્રાફિકજામ
- પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા નથી
સેલવાસ : સેલવાસના કેટલાંક વિસ્તારોમાં આડેધડ પાર્કિંગના કારણે બીજા વાહનચાલકોને પણ ઘણી તકલીફો પડી રહી છે. સેલવાસ-વાપી મેઈન રોડ પર કેટલીક બેન્ક અને હોસ્પિટલ આવેલી છે. જ્યા આવતા લોકો પોતાની ગાડીઓને જાહેર રસ્તાઓ પર જ પાર્ક કરીને ચાલ્યા જાય છે. જેથી બીજા વાહનચાલકોને પસાર થવામા પણ તકલીફ પડે છે. તો કેટલીકવાર ટ્રાફિકજામની પણ સમસ્યા ઉભી થાય છે. આની સાથે કેટલાંક લોકો તો રોંગ સાઈડ પર વાહન ચલાવતા પણ જોવા મળે છે. જેના કારણે અકસ્માતો પણ થતા રહે છે.
ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે
ગત અઠવાડિયે સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત સેલવાસ પોલીસ સ્ટેશનથી શહીદ ચોક સુધી સાયકલ ટ્રેક બનાવવામા આવેલ છે. જેના પરથી સાયકલ સવારોને પસાર થવામા સરળતા રહે. પરંતુ એ જગ્યામા પણ જાણે કે, પાર્કિંગનો અડ્ડો બની ગયો છે. ટ્રાફિક વિભાગ દ્વારા આ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવામા આવે એવી માંગ ઉઠવા પામી છે.
સ્માર્ટ સીટી બનવા જઈ રહેલા નગરમાં પાર્કિંગનો પ્રશ્ન
ઉલ્લેખનીય છે કે, સેલવાસના 80 ટકા વિસ્તારમાં કોઈપણ જગ્યા પર પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નથી. કોઈપણ ગ્રાહક આવે છે તે સીધો દુકાનની બહાર જ વાહન પાર્ક કરે છે. જેના કારણે બીજાઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે. પ્રશાસન દ્વારા આ પ્રશ્ન અંગે યોગ્ય ઉકેલ લાવવામા આવે એ જરૂરી બની ગયું છે.