- 8મી નવેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે
- ભાજપ, કોંગ્રેસ, JDU અને અપક્ષ ઉમેદવારોએ જીતના દાવા કર્યા
- દમણ નગરપાલિકામાં વોર્ડ નંબર 12 અને 15 બિનહરીફ ભાજપના ફાળે
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જે માટેની 21મી ઓક્ટોબર છેલ્લી તારીખ સુધીમાં ભાજપ, કોંગ્રેસ, JDU અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી જીતના દાવા કર્યા હતાં. તો દાદરા નગર હવેલીમાં જ 965 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે દમણમાં ઉમેદવારોનો આંકડો ઇલેક્શન કમિશને જાહેર જ કર્યો નથી. તેમ છતાં દમણ નગરપાલિકામાં વોર્ડ નંબર 12 અને 15 બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે.
8મી નવેમ્બર રોજ ચૂંટણી યોજાશે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બર રોજ નગરપાલિકા,જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. યુનિયન ટેરિટરીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની 20 ગ્રામ પંચાયત માટે સરપંચ, સભ્યો, જિલ્લા પંચાયતની 20 સીટ માટે સભ્યો અને સેલવાસ નગરપાલિકાની 15 સીટ માટે નગરસેવકોની ઉમેદવારી ફોર્મ ભરવા માટે 21મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસ સુધીમાં આ તમામ સીટ માટે ભાજપ, કોંગ્રેસ, JDU અને અપક્ષ મળી કુલ 965 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં નગરપાલિકા વોર્ડ માટે કુલ 84 ઉમેદવારોએ તો જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત માટે 881 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં પ્રથમવાર અપક્ષ સાંસદ મોહન ડેલકરના સમર્થનમાં JDUના સભ્યો ગ્રામ પંચાયત વોર્ડમાં બિન હરીફ ચૂંટાઈ રહ્યા છે. JDU દાદરા નગર હવેલીમાં મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ઉમેદવાર રાકેશસિંહ ચૌહાણે ભાજપ સત્તા મેળવશે તેવા દાવા સાથે JDU ને સમર્થન આપનારા સાંસદ પાર્ટી બદલું હોય જનતા ભાજપના વિકાસને લઈને ભાજપને જીત અપાવશે તેવો દાવો કર્યો હતો.
JDU ને સમર્થન
એક તરફ દાદરા નગર હવેલીમાં ભાજપ વિકાસના નામે, સેલવાસ સ્માર્ટ સિટીના નામે મતદારો સમક્ષ જવાની વાત કરે છે. ત્યારે દમણમાં JDU ને સમર્થન આપનારા ઉમેશ પટેલ દમણ-દાદરા નગર હવેલીમાં પ્રજા JDUને સમર્થન આપી પ્રશાસનની તાનાશાહીને જડબાતોડ જવાબ આપશે તેવો દાવો કરી રહ્યા છે. ભાજપે કોંગ્રેસના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલના પરિવારોને, તેમના મળતીયાઓને ટિકીટ આપી પાયાના કાર્યકરોને નારાજ કર્યા હોવાના આક્ષેપ કરતા ઉમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનું હવે ભાકપા એટલે કે, ભારતીય કોંગ્રેસ પાર્ટી થઈ ગયું છે.
ઉમેશ પટેલની આ વાતમાં જાણે તથ્ય હોય તેમ ભાજપને વરેલા અને સાંસદ લાલુભાઈની પત્ની તરુણાબેન પટેલને ટિકીટ ન મળતા તેમણે અપક્ષ ફોર્મ ભર્યું હતુ. તે બાદ તરુણાબેને જણાવ્યું હતું કે, તેમને ટિકીટ નોહોતી મળી એટલે ફોર્મ ભર્યું હતું પરંતુ પાર્ટીના આદેશ બાદ પાછું ખેંચી લીધું છે. તે પાર્ટીની કાર્યકર છે અને પરિવારમાં એક જ વ્યક્તિને ટિકીટ અપાતી હોય તેવા પક્ષના આદેશ બાદ તેઓ અપક્ષ ઉમેદવારીમાંથી હટી ગયા છે.
મહિલાઓને 50 ટકા અનામત સીટ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં આ વખતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા અનામત સીટ અપાઈ છે. મહિલા મોરચાના અધ્યક્ષ સિમ્પલ કાંટેલાએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં મહિલાઓના વિકાસની અનેક યોજનાઓ લાગુ કરી છે. પ્રદેશમાં અનેક ગણો વિકાસ થયો છે. અને અમે વિકાસના નામે મત માંગી જનતાના આશીર્વાદથી વિજયી બનીશું.
ઉલ્લેખનીય છે કે, દમણમાં નગરપાલિકાની કુલ 15 વોર્ડની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 15 પર ભાજપે બિનહરીફ વિજય મેળવી લીધો છે. હવે 6 વોર્ડ પર વિજય મેળવવા કમર કસવાની છે. દમણ જિલ્લા પંચાયતની 16 સીટ માટે ભાજપે વિજયની આશા સેવી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષો સાથે આ ચૂંટણીમાં અપક્ષનો રાફડો ફાટ્યો હોય દરેક પક્ષ માટે વર્ચસ્વ ટાકાવવા એડીચોટીનું જોર લગાવવું પડશે.