દમણ: સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી એક એવો પ્રદેશ છે. જ્યાં મોટા પ્રમાણમાં સ્મોલ સ્કેલ, લાર્જ સ્કેલ, મલ્ટિનેશનલ કંપનીઓ કાર્યરત છે. જેને વ્યવસ્થિત રીતે ચલાવવા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂ પાડવા માટે OIDC (Omnibus industrial devlopment corporation)ની રચના કરવામાં આવી હતી. આ OIDC હવે ભારત સરકારના સ્ટીલ મંત્રાલય સાથે મળીને પ્રદેશની તમામ કંપનીઓમાથી નીકળતા ભંગારની ખરીદી તથા તેના વેંચાણનું કાર્ય કરશે.
સંઘ પ્રદેશની કંપનીઓમાંથી નીકળતા ભંગારને ખરીદવાનું અને વેચવાનું કાર્ય અહીંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતુ હતું. જેઓ રાજકીય વર્ગને કારણે પોતાની મન મરજી પ્રમાણે ભાવ લગાડીને જે તે કંપનીઓ પાસેથી ભંગાર ખરીદતા હતા. જેમાં કંપનીઓને ઘણી વખત ભારે નુકસાન પણ વેઠવાનો વારો આવતો હતો.
દમણમાં ભંગાર ખરીદ વેચાણનો મામલો ક્યારેક ખૂની ખેલમાં પલટાવાના પણ અનેક બનાવો નોંધાયા છે. એક રીતે જોવા જઇયે તો દમણમાં ભંગારના ધંધાએ ભંગાર માફિયાઓને જન્મ આપ્યો હતો. હવે દમણ પ્રશાસન આવી તમામ જોર જબરદસ્તીવાળી પ્રવુતિઓ પર લગામ લગાવી રહ્યું છે.
જેના અનુસંધાને OIDC જનરલ મેનેજર ચાર્મી પારેખ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં સંઘ પ્રદેશની કંપનીઓમાંથી નીકળતા ભંગારના ધંધાને હવે સ્ટ્રીમ લાઈન કરવામાં આવશે. તેમજ દમણની કંપનીઓ હવે સ્ટીલ મંત્રાલયની મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ (MSTC)ની વેબસાઈટ પર ઓનલાઈન ઓકશનમાં ભાગ લઇ શકશે.
જેથી કંપનીઓને દરરોજના ભાવ પ્રમાણે ભંગાર ખરીદવાનું તથા વેચવાનું સરળ બની રહેશે, દમણ પ્રશાસન અને સ્ટીલ મંત્રાલયના નિર્ણયથી કંપની માલિકોને પણ ઘણો ફાયદો થશે અને લોકલ સ્ક્રેપ ડીલરના ત્રાસથી છુટકારો પણ મળશે.